બેંગલુરુ : બાઈક રેસિંગ સ્પર્ધા દરમિયાન 13 વર્ષીય રાઈડર શ્રેયસ હરેશનું અકસ્માતમાં મોત
રેસિંગ સ્પર્ધા દરમિયાન એક વળાંકમાં તેની બાઈક અથડાતા શ્રેયસને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું
બેંગલુરુ, તા.06 ઓગસ્ટ-2023, રવિવાર
બેંગલુરુ સ્થિત 13 વર્ષીય પ્રતિભાશાળી રેસર કોપારામ શ્રેયસ હરીશનું મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ઈન્ડિયન નેશનલ મોટરસાઈકલ રેસિંગ ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડ દરમિયાન અકસ્માતના કારણે મૃત્યુ નિપજ્યું છે. આ દુ:ખદ ઘટના બાદ આયોજકે મદ્રાસ મોટર સ્પોર્ટ્સ ક્લબે શનિવાર અને રવિવારની સ્પર્ધા રદ કરી દીધી છે. બેંગલોરની કેનાશ્રી સ્કૂલના વિદ્યાર્થી શ્રેયસનો જન્મ 26 જુલાઈ 2010ના રોજ થયો હતો. શ્રેયસે શ્રેષ્ઠ રેસર તરીકે જાણીતો હતો. તેણે રાષ્ટ્રીય સ્તરે પણ ઘણી રેસ જીતી હતી. આ સિઝનમાં શ્રેયસ યુવા વર્ગની રેસમાં ભાગ લઈ રહ્યો હતો.
પિતાની નજર સામે જ પુત્રનું મોત
શ્રેયસે શનિવારે જ રેસિંગ સ્પર્ધાની ક્વોલિફાઈનંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રેસિંગ સ્પર્ધા દરમિયાન એક વળાંકમાં તેની બાઈક અથડાતા શ્રેયસને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ તુરંત રેસિંગ અટકાવી દેવાયું છે અને શ્રેયસને નજીકમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જોકે હોસ્પિટલ પહોંચતા જ તેનું મૃત્યુ નિપજ્યું છે. આ દરમિયાન તેના પિતા પણ તેની સાથે હતા.
અગાઉ 2022માં રેસરનું મૃત્યુ થયું હતું.
આ વર્ષે ભારતીય મોટરસ્પોર્ટમાં આ પ્રકારનો બીજો અકસ્માત છે. જાન્યુઆરીની શરૂઆતમાં મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ-2022ના બીજા રાઉન્ડમાં અકસ્માત બાદ 59 વર્ષીય રેસર કેઈ કુમારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.