Get The App

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત 1 - image


- આ વર્ષે છત્તીસગઢમાં 275 નક્સલીઓ માર્યા ગયા 

માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી અનેક હથિયારો જપ્ત: હિડમાના એન્કાઉન્ટર બાદ દેવુજી અને ગણેશની શોધખોળ શરૂ 

બીજાપુર : સૌથી ખુંખાર માડવી હિડમા સહિત અનેક માઓવાદી કમાન્ડરો તાજેતરમાં માર્યા ગયા છે અને માઓવાદ વિરોધી ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. એવામાં માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ૧૨ માઓવાદીઓ કે નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે ત્રણ જવાનોના પણ મોત નિપજ્યા છે અને બે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.   

હાલમાં છત્તીસગઢમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો, પોલીસના બે યુનિટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડીઆરજી દ્વારા મોટાપાયે નક્સવાદ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ એક ઓપરેશન માટે ટુકડી બીજાપુર પહોંચી હતી, આ દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળોના જવાનો બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ગોળીબાર કરાયો હતો. આ દરમિયાન નક્સલીઓ પર સુરક્ષાજવાનો ભારે પડયા હતા અને   ૧૨ નક્સલીઓને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન કેટલાક જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ જવાનોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. 

સુરક્ષાદળોએ જણાવ્યું હતું કેએન્કાઉન્ટર સ્થળેથી  અત્યાર સુધીમાં ૧૨ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ નક્સલીઓમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો હજુ મેળવવામાં આવી રહી છે. જે પણ જવાનો માર્યા ગયા છે તેઓ દંતેવાડા અને બીજાપુરમાં તૈનાત હોવાનું સામે આવ્યું છે તેમના નામ હેડ કોન્સ્ટેબલ મોનુ વડાડી, કોન્સ્ટેબલ ડુકારુ ગોંડે અને જવાન રમેશ સોઢીનો સમાવેશ થાય છે. આ વર્ષે માત્ર છત્તીસગઢમાં જ સુરક્ષાદળો દ્વારા કુલ ૨૭૫ નક્સલીઓને મારવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધુ ૨૪૬ નક્સલીઓના એન્કાઉન્ટર બસ્તરમાં થયા હતા. તાજેતરમાં જે ૧૨ નક્સલીઓ માર્યા ગયા છે તેમની પાસેથી અનેક હથિયારો જપ્ત કરાયા છે.  નોંધનીય છે કે ખુંખાર માઓવાદી કમાન્ડર હિડમાના એન્કાઉન્ટર બાદ હવે સુરક્ષાદળો દેવુજી અને ગણેશ  નામના ટોચના નક્સલ કમાન્ડરની શોધખોળ કરી રહી છે. 

Tags :