Get The App

રાજ્યપાલના પગાર-ભથ્થાં પર દર મહિને 12 લાખનો ખર્ચ, છતાં બંધારણીય જવાબદારી અંગે વિવાદ કેમ?

તમિલનાડુમાં રાજ્યપાલ એન રવિ કુમારના નાટકીય નિર્ણયથી બંધારણીય કટોકટી સર્જાઈ

2005માં બિહારના ગવર્નર બુટા સિંઘ હોય કે 2019 માં મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી હોય, દરેકના નિર્ણયોએ રાજ્યપાલની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે

Updated: Jul 1st, 2023

GS TEAM

Google News
Google News
રાજ્યપાલના પગાર-ભથ્થાં પર દર મહિને 12 લાખનો ખર્ચ, છતાં બંધારણીય જવાબદારી અંગે વિવાદ કેમ? 1 - image

image : website


તમિલનાડુમાં રાજ્યપાલ એન રવિ કુમારના નાટકીય નિર્ણયથી બંધારણીય કટોકટી સર્જાઈ છે. મંત્રી સેંથિલ બાલાજીને બરતરફ કર્યા બાદ રાજ્યપાલની જવાબદારી પર સવાલો ઉઠી રહ્યા છે.જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ રાજ્યપાલ પોતાની બંધારણીય જવાબદારીને લઈને વિવાદમાં હોય. 2005માં બિહારના ગવર્નર બુટા સિંઘ હોય કે 2019માં મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી હોય, દરેકના નિર્ણયોએ રાજ્યપાલની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે. રાજ્યપાલનું પદ બંધારણના સંઘીય માળખામાં બનાવવામાં આવ્યું છે અને ગૃહ મંત્રાલયની ભલામણ પર રાષ્ટ્રપતિ તેની નિમણૂક કરે છે.

ગૃહ મંત્રાલયનો રિપોર્ટ શુંં કહે છે  

ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, રાજ્યપાલના પગાર અને ભથ્થા પાછળ દર મહિને સરેરાશ 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો આ રકમ લગભગ 1 કરોડ 20 લાખ છે. આ સિવાય રાજભવનમાં કરોડો રૂપિયાના ખર્ચે કામ કરવા માટે સેંકડો કર્મચારીઓને રાખવામાં આવે છે.  કરદાતાઓના કરોડો રૂપિયા ખર્ચ કરનારા રાજ્યપાલોના ગેરબંધારણીય  નિર્ણયોને કારણે નવી ચર્ચા ઉભી થઇ છે. પશ્ચિમ બંગાળના મંત્રી શોભનદેવ ચેટર્જીએ રાજ્યપાલનું પદ નાબૂદ કરવાની માંગ કરી છે. 2016માં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તેને ખતમ કરવાની માંગ કરી હતી.

તમિલનાડુમાં કેમ સંઘર્ષ થયો ?

તમિલનાડુની સ્ટાલિન સરકારમાંસેંથિલ બાલાજી  પરિવહન મંત્રી છે. ED દ્વારા 14 જૂને 'કેશ ફોર જોબ' કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે, સ્ટાલિને રાજ્યપાલને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સેંથિલનો વિભાગ અન્ય મંત્રીને આપવામાં આવે. મુખ્યમંત્રીના આ પ્રસ્તાવને ફગાવી દેતા રાજ્યપાલે 15 દિવસ બાદ મંત્રી બાલાજીને કેબિનેટમાંથી બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો. બીજી તરફ મામલો વધુ ઉગ્ર બનતા રાજ્યપાલે બીજો આદેશ જારી કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે રાજ્યપાલે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે પહેલા મંત્રીને બરતરફીની સૂચના જારી કરી હતી અને હવે તેઓ પુનઃ સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે. આ કેવી રીતે શક્ય બની શકે? મંત્રીને પુનઃસ્થાપિત કરવા માટે હવે નિમણૂક અને શપથની પ્રક્રિયા નવેસરથી અપનાવવી પડશે.

ભારતના બંધારણમાં રાજ્યપાલનું સ્થાન અને જવાબદારી

ભારતમાં રાજ્યપાલનું પદ બંધારણીય પદ છે. બંધારણના અનુચ્છેદ 153 મુજબ, ભારતીય પ્રજાસત્તાકના દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ કેન્દ્રની ભલામણ પર રાજ્યપાલની નિમણૂક કરે છે. રાજ્યપાલનો કાર્યકાળ રાષ્ટ્રપતિ પર નિર્ભર છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના મતે રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સેતુની ભૂમિકા ભજવે છે. રાજ્યપાલને નાણાકીય, કાયદાકીય, કારોબારી અને ન્યાયિક સત્તાઓ મળે છે. રાજ્યપાલને બહુમતીના આધારે સરકાર બનાવવાનો, વિધાનસભા બોલાવવાનો અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવાનો પણ અધિકાર છે.

રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર 

રાજ્યપાલ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ, જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પણ નિમણૂક કરે છે. રાજ્યપાલની પરવાનગી વિના ફાઇનાન્સ બિલ વિધાનસભામાં રજૂ કરી શકાતું નથી. રાજ્યપાલની સંમતિ વિના કોઈપણ ખરડો કાયદો બની શકતો નથી. વિરાગ ગુપ્તા અનુસાર, સંઘીય પ્રણાલીમાં રાજ્યપાલ કેન્દ્રના પ્રતિનિધિ છે. બંધારણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે કોઈપણ નિર્ણય કેબિનેટની સલાહ પર જ લેવો જોઈએ. તેથી જ બહુમતી સરકારમાં રાજ્યપાલની ભૂમિકા મર્યાદિત બની જાય છે.

વેતન અને ભથ્થા પર કેવો ખર્ચ થાય છે

રાજ્યપાલને રાજભવનની સજાવટ માટે પણ પૈસા મળે છે. તેથી જ રાજ્યવાર અલગ અલગ જોગવાઈઓ છે. નિયમ અનુસાર, રાજ્યપાલ જ્યારે જરૂર પડે ત્યારે રાજભવનનું ફર્નિચર રિન્યુ કરાવી શકે છે.બિહારમાં સજાવટ માટે પૈસાની મહત્તમ જોગવાઈ છે. બિહારના ગવર્નર સજાવટ પર 62 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. સિક્કિમના રાજભવનમાં સૌથી ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યાં રાજ્યપાલ માત્ર 3 લાખ 85 હજાર રૂપિયા ખર્ચ કરી શકે છે.

રાજભવનની સજાવટ પાછળનો ખર્ચ ચોંકાવનારો 

જો સજાવટ પાછળ ખર્ચવામાં આવેલા રૂપિયાની સરેરાશ જોવામાં આવે તો તે 10 લાખની નજીક છે. ઘણા રાજ્યપાલો એક વર્ષમાં જ ખર્ચ કરે છે. રાજભવનના ડેકોરેશન પર ખર્ચ કરવાને લઈને ઘણા ગવર્નરો વિવાદોમાં ફસાયા છે. આમાં યુપીના પૂર્વ રાજ્યપાલ રોમેશ ભંડારીનું નામ પણ સામેલ છે. પશ્ચિમ બંગાળ મનોરંજન, પ્રવાસ, આરોગ્ય અને ઓફિસ ખર્ચ વગેરેમાં સૌથી વધુ ખર્ચ કરે છે. બંગાળમાં રાજ્યપાલ આ વસ્તુઓ પર વાર્ષિક 1 કરોડ 81 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે. જો તમામ રાજ્યોની સરેરાશ જોવામાં આવે તો આ વસ્તુમાં રાજ્યપાલ પર સરેરાશ 60 લાખ રૂપિયા એટલે કે એક મહિનામાં 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

પાણી, વીજળી અને બગીચા વગેરે માટે ભથ્થાં 

 રાજ્યપાલને પાણી, વીજળી, બગીચો, રિપેરિંગ વગેરે માટે પણ ભથ્થાં મળે છે. રિનોવેશન, પાણી, વીજળી અને બગીચા વગેરે માટેના આ ભથ્થાને જાળવણી ભથ્થું કહેવાય છે. તમિલનાડુના રાજ્યપાલને સૌથી વધુ ભથ્થું આપવામાં આવે છે. તમિલનાડુના ગવર્નર વધુમાં વધુ 6 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. જ્યારે યુપીના રાજ્યપાલને 3.53 રૂપિયા અને મહારાષ્ટ્રના રાજ્યપાલને 1.80 કરોડ રૂપિયા મળે છે. સરેરાશ, ગવર્નરને એક વર્ષમાં મેન્ટેનન્સ ચાર્જ તરીકે 50 લાખ રૂપિયા મળે છે. એટલે કે એક મહિનામાં લગભગ 4.5 લાખ રૂપિયા. આ બધા સિવાય રાજ્યપાલને દર મહિને 3.5 લાખ રૂપિયાનો પગાર મળે છે. કુલ પગાર ભથ્થું સરેરાશ રૂ. 12 લાખથી વધુ છે.

શું રાજ્યપાલનું પદ બિનજરૂરી છે?

એપ્રિલ 2023માં સીપીઆઈના રાજ્યસભાના સાંસદ વિનય વિશ્વમે રાજ્યપાલના પદને નાબૂદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તે બિનજરૂરી છે. વિશ્વમે ખાનગી બિલની નોટિસ પણ આપી હતી. વિશ્વમ કહે છે- રાજ્યપાલનું પદ બોજ છે. તે ફક્ત સજાવટ માટે છે અને તેની પાસે કોઈ વાસ્તવિક શક્તિ નથી.વિશ્વમ રાજભવનને કેન્દ્રના શાસક પક્ષની કેમ્પ ઓફિસ તરીકે વર્ણવે છે. તેમના મતે, કેન્દ્રના એજન્ડાને પૂર્ણ કરવા માટે લોકોને રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા છે.

એક રિસર્ચમાં ચોંકાવનારી માહિતી સામે આવી 

અશોકા યુનિવર્સિટીના અનન્યા અને નિલેશે દેશના 503 પૂર્વ રાજ્યપાલો પર સંશોધન કર્યું. સંશોધન મુજબ, સરેરાશ એક રાજ્યપાલ ફક્ત 2 વર્ષ સુધી જ તેમના પદ પર રહી શક્યા. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદી બાદ રાજસ્થાનમાં સૌથી વધુ 44 રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. સંશોધન મુજબ 503માંથી 77 ગવર્નરો નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને ન્યાયાધીશો હતા બાકીના તમામ ગવર્નરો રાજકારણ સાથે જોડાયેલા લોકો હતા. હાલમાં 28માંથી 20 રાજ્યપાલ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે.

 બંધારણીય કટોકટીની આશંકા 

2006માં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની નિમણૂકને લઈને માર્ગદર્શિકા નક્કી કરવાની વાત કરી હતી.તાજેતરમાં વિધી ફોર સેન્ટર પોલિસીએ હેડ્સ હેલ્ડ હાઈઃ સેલ્વેજિંગ સ્ટેટ ગવર્નર્સ ફોર 21મી સેન્ચ્યુરી ઈન્ડિયા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. પુસ્તકમાં લેખક શંકર નારાયણન, કેવિન જેમ્સ અને લલિત પાંડાના જણાવ્યા અનુસાર, ગવર્નર પદને નાબૂદ કરવાથી ઘણી બંધારણીય સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સુમેળ બનાવવાની સાથે રાજ્યપાલ રાજ્ય વિધાનસભાના કાયદાઓની પણ સમીક્ષા કરે છે. જો આ જવાબદારી અન્ય કોઈને આપવામાં આવશે તો બંધારણીય કટોકટી સર્જાશે.

જો રાજ્યપાલ બંધારણ મુજબ નિર્ણય લેશે તો કોઈ વિવાદ નહીં થાય

બીજી તરફ, વિરાગ ગુપ્તા કહે છે- જો રાજ્યપાલ બંધારણ મુજબ નિર્ણય લેશે તો કોઈ વિવાદ નહીં થાય. બંધારણ સભાની બેઠકમાં પણ રાજ્યપાલના પદ પર ચર્ચા બાદ તેમની મર્યાદિત ભૂમિકા અને વિશેષ સંજોગોમાં તેમના અધિકારો નક્કી કરવામાં આવ્યા હતા.તે સમયે ડૉ.આંબેડકરે કહ્યું હતું કે બંધારણની શ્રેષ્ઠતા તેને ચલાવનારા લોકોના આચરણ પર નિર્ભર રહેશે. તેથી જ રાજ્યપાલના પદની સમીક્ષા કરતાં તેમના દ્વારા સ્વસ્થ પરંપરાઓનું પાલન કરવું વધુ મહત્વનું છે.

Tags :