Get The App

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 15ના મોત, 6ની હાલત ગંભીર

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 15ના મોત, 6ની હાલત ગંભીર 1 - image


Poisonous Liquor In Amritsar: પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (12મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 5ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.'

પાંચ લોકોની ધરપકડ કરાઈ

અમૃતસરના એસએસપી મનિન્દર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજીતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.'



ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવા કિસ્સાઓ નોંધાયા છે.

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 15ના મોત, 6ની હાલત ગંભીર 2 - image



Tags :