માસૂમ બાળકની CMને અરજઃ 'મારે ભણવું છે, પિતા નથી ભણવા દેતા'
- છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવાની સાથે પોતાનાથી નાના 5મા ધોરણ સુધીના 40 બાળકોને ભણાવીને પોતાનો ખર્ચો કાઢે છે
- સોનુએ જણાવ્યું કે, જો સરકાર મદદ કરે તો હું પણ ભણી-ગણીને IAS-IPS બનવા માગું છું
નાલંદા, તા. 15 મે 2022, રવિવાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાના દિવંગત પત્ની મંજૂ સિન્હાની 16મી પુણ્યતિથિના પ્રસંગે નાલંદાના કલ્યાણ બિગહા ગામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક લોકોની મુશ્કેલીઓ સાંભળી હતી. 11 વર્ષનો સોનુ કુમાર યાદવ પણ આ જનસંવાદ કાર્યક્રમમાં પહોંચી ગયો હતો.
સોનુ કુમાર બિલકુલ ડર્યા વગર મુખ્યમંત્રીની આંખોમાં આંખો નાખીને કહેવા લાગ્યો હતો કે, 'સર, સાંભળો ને... પ્રણામ, મને ભણવા માટે હિંમત આપો, ગાર્ડિયન ભણાવતા નથી...'
સોનુ કુમારે જનસંવાદ કાર્યક્રમ દરમિયાન ગભરાયા વગર મુખ્યમંત્રી નીતીશ કુમાર સામે એક કડવું સત્ય રજૂ કરી દીધું હતું. નાના બાળકે મુખ્યમંત્રીને શિક્ષણની દુર્દશા અને શરાબબંધી મામલે અવગત કરાવ્યા હતા. સોનુએ જણાવ્યું કે, તેના પિતા દહીંની દુકાનમાંથી જેટલું પણ કમાય છે તેને દારૂ પીવામાં લગાવી દે છે.
હરનૌતના નીમા કૌલ ગામનો રહેવાસી સોનુ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગરીબાઈના કારણે તે સરકારી શાળામાં અભ્યાસ કરે છે જ્યાં શિક્ષકોને પણ યોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતા નથી આવડતું. બાળકે પોતે જ આ અંગે ખુલાસો કર્યો હતો.
બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં સોનુએ જણાવ્યું કે, જો સરકાર મદદ કરે તો હું પણ ભણી-ગણીને IAS-IPS બનવા માગું છું. તેણે જણાવ્યું કે, સરકારી શાળામાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. માત્ર 11 વર્ષના આ બાળકની પ્રતિભા એ રીતે પણ ઝળકી ઉઠે છે કે, તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવાની સાથે પોતાનાથી નાના 5મા ધોરણ સુધીના 40 બાળકોને ભણાવીને પોતાનો ખર્ચો કાઢે છે. આ બાળકની હિંમત જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.