રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત
- તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં
- ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિરના દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં
- વાનમાં 20 લોકો સવાર હતાં : આઠ ઘાયલો પૈકી એકની સ્થિતિ ગંભીર : સવારે ચાર વાગ્યે વાને હાઇવેના સર્વિસ લેન પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી
જયપુર : રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવાર વહેલી સવારે એક પિક અપ વાન એક ઉભેલી ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત ૧૧ લોકોનાં મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિરના દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં.
દૌસાના એસપી સાગરના જણાવ્યા અનુસાર આ અકસ્માત મનોહરપુર હાઇવે પર સવારે ૪ વાગ્યે સર્જાયો હતો.આ અકસ્માતમાં સાત બાળકો અને ચાર મહિલાઓનાં મોત થયા છે.
એસપીના જણાવ્યા અનુસાર વાનમાં ૨૦ લોકો સવાર હતાં. વાને હાઇવેના સર્વિસ લેન પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. આઠ ઘાયલોમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને ઘાયલો ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી.
જયપુરની હોસ્પિટલમાં ત્રણ મહિલા અને ત્રણ બાળકો સહિત ૧૦ ઘાયલોને સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. આ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા અનુસાર આ ઘાયલો પૈકી એક મહિલાનું મોત થયું છે અને તેમના પતિ મનોજ આઇસીયુમાં છે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ પણ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. મૃતકોના વતન ઉત્તર પ્રદેશના એટા સ્થિત અસરાઉલી ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.