Get The App

પાક.ના 100 આતંકી, 40 સૈનિક ઠાર, ઓપરેશન સિંદૂર નહીં અટકે

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
પાક.ના 100 આતંકી, 40 સૈનિક ઠાર, ઓપરેશન સિંદૂર નહીં અટકે 1 - image


- શસ્ત્ર વિરામ માટે પાક. તરફથી ભારતનો સંપર્ક કરાયો હતો : ડીજીએમઓ

- આપણા તમામ પાયલોટ સલામત, પાક.ના ડ્રોન હુમલાના જવાબમાં ભારતે અનેક એરફીલ્ડનો સફાયો કર્યો : ડીજીએમઓ

- ભારતના ડીજીએમઓએ પાક.ના ડીજીએમઓ સાથે વાત કરી કહ્યું 'હવે શસ્ત્રવિરામનો ભંગ કરશો તો વધુ આક્રમક જવાબ મળશે'

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ છતા સ્થિતિ સંપૂર્ણપણે થાળે નથી પડી. ભારતીય સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન હવે સરહદે થોડો પણ અટકચાળો કરશે તો ભારત તેનો વધુ આક્રામકતાથી જવાબ આપશે. આ ઉપરાંત આતંકીઓના સફાયા માટે ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદૂર હાલ નહીં અટકે તેવી જાહેરાત પણ સેનાએ કરી દીધી છે. ભારતીય સેના, એરફોર્સ અને નેવી હાલ પણ ખડેપગે જ છે. ભારતીય સૈન્યના ડીજીએમઓએ પ્રેસ કોન્ફરંસ કરીને હાલની સ્થિતિ તેમજ ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાક.ના ૧૦૦ આતંકીઓ અને ૪૦ સૈનિકોને ઠાર કરાયા છે. 

રવિવારે ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો મોકલ્યો છે અને કહ્યું છે કે રવિવારની રાત્રે કે બાદમાં સરહદે પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો તો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપશે. પ્રેસ કોન્ફરંસ કરતા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે મે વાત કરી છે, આજે અમે તેમને વધુ એક આકરો સંદેશો મોકલતા કહ્યું છે કે સરહદે એક પણ અટકચાળો કર્યો તો જડબાતોડ જવાબ મળશે. શનિવારે સાંજે શસ્ત્રવિરામ થયાના થોડા જ સમય બાદ પાકે. સરહદે ગોળીબાર કર્યો અને પશ્ચિમી ફ્રન્ટ પર ડ્રોન છોડયા હતા. જેનો ભારતે આક્રામક રીતે જવાબ આપ્યો હતો. 

ઓપરેશન સિંદૂર અંગે વધુ માહિતી આપતા ભારતીય સૈન્ય ઓપરેશનના ડીજીએમઓએ વધુ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનના નવ આતંકી સ્થળોને ધ્વસ્ત કરી નાખ્યા છે, પાકે. ડ્રોન હુમલો કર્યો જેની જવાબી કાર્યવાહીમાં ભારતે તેમના અનેક એરબેઝ ઉડાવી દીધા અને ૩૫થી ૪૦ સૈનિકોને ઠાર કર્યા. ભારતીય હુમલામાં પાકિસ્તાનના ૧૦૦થી વધુ આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો. અમે ત્રણ મોટા આતંકીઓનો ખાતમો કર્યો જેમાં મુદસ્સર ખાસ, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહરનો સમાવેશ થાય છે, આ આતંકીઓ કંદહાર વિમાન હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. 

એર ઓપરેશનના ડીજી એર માર્શલ એ કે ભારતીએ કહ્યું હતું કે આતંકી સ્થળો પર એર સ્ટ્રાઇકમાં એર ટુ  સરફેસ  ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ કરાયો હતો કે જેથી આસપાસ અન્ય કોઇ નુકસાન ના થાય. એરફોર્સે પાક.ના મુરીદકે અને બહાવલપુરમાં આતંકીઓના ટ્રેનિંગ કેમ્પ પર એકદમ સટીક નિશાન લગાવ્યું હતું, આ સ્ટાઇરનો હેતુ સફળ રહ્યો, બહાવલપુરમાં હાઇ વેલ્યુ ટાર્ગેટ હતો. પાક.ના ડ્રોન હુમલાને પહોંચી વળવામાં આપણી એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણરીતે સફળ રહી. જે બાદ વળતા પ્રહારમાં આપણે પાકિસ્તાનના એર બેઝ, કમાંડ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમને સરહદે તમામ સ્થળોએથી નિશાન બનાવ્યા હતા. 

ભારત અને પાકિસ્તાનમાંથી કોણે શસ્ત્રવિરામની પહેલા વાત કરી તે અંગે વાત કરતા ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું હતું કે ૧૦મી મેના રોજ સવારે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી હોટલાઇન પર પહેલા મેસેજ આવ્યો હતો, તેમણે વાત કરવા કહ્યું, તેથી અમે નક્કી કર્યું કે વાતચીત કરીશું. ૧૦મી મેના રોજ બપોરે ૩.૩૫ વાગ્યે અમારી વચ્ચે વાતચીત થઇ હતી અને બન્ને દેશો શનિવારે સાંજે પાંચ વાગ્યે શસ્ત્રવિરામ માટે તૈયાર થયા હતા. જ્યારે ભારતીય એરફોર્સે એક્સ (ટ્વિટર) પર ઓપરેશન સિંદૂર શરૂ રાખવાની માહિતી જાહેર કરી હતી અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ એકદમ સટીક નિશાના પર વાર કરવામાં સફળ રહ્યા છીએ, ઓપરેશન રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરુપ સમજી વિચારીને હાથ ધરાયું છે, કેમ કે ઓપરેશન સિંદૂર હજુ પણ શરૂ જ છે માટે યોગ્ય સમયે વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવશે. ભારતીય એરફોર્સે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘર્ષણ દરમિયાન ભારતના તમામ પાયલોટ સલામત રહ્યા છે. જોકે સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા.        

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦મી તારીખે સાંજે પાંચ વાગ્યાથી શસ્ત્રવિરામ જાહેર કરાયો હતો તેથી સૈન્ય, એરફોર્સ કે નેવી દ્વારા એકબીજા પર કોઇ જ હુમલો નહીં કરી શકાય. હવે ૧૨મી તારીખે બન્ને દેશોના સૈન્ય ઓપરેશનના ડીજીએમઓ ફરી વાતચીત કરશે અને આગળની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ પહેલા ભારતીય સૈન્યએ પાક.ને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે જો આ બેઠક પૂર્વે કે પછી શસ્ત્રવિરામનો ભંગ થયો તો તેનો વધુ આક્રામકતાથી જવાબ આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની સરહદે હાલ શાંતિની સ્થિતિ છે. જોકે શસ્ત્ર વિરામના થોડા જ સમય બાદ પાકે. ન માત્ર જમ્મુ કાશ્મીર સાથે સાથે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદે પણ ડ્રોન છોડયા હતા. શસ્ત્ર વિરામના ભંગને કારણે રાજસ્થાન સરહદે આખી રાત ભયની સ્થિતિ જોવા મળી હતી. રવિવારે રાત્રે સરહદી ગામડાઓમાં બ્લેકઆઉટ રહ્યું હતું અને લાઇટો બંધ રખાઇ હતી. જૈસલમેર, બાડમેર અને અન્ય વિસ્તારોમાં ડ્રોન દેખાયા હતા જેને ભારતીય ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા. હાલ રાજસ્થાન સરહદના ગામડાઓમાં પાકે. છોડેલા ડ્રોનનો કાટમાળ મળ્યો હતો.   

- અમે પાક.ના કરાચી પોર્ટ, સૈન્ય મથકો ઉડાવવા સજ્જ હતા : નેવી

નવી દિલ્હી: ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન વાઇસ એડમિરલ એએન પ્રમોદે પ્રેસ કોન્ફરંસમાં કહ્યું હતું કે ૯ મેની રાત્રે ભારતીય નેવી પાકિસ્તાનની સમુદ્રી સરહદેથી તેના કરાચી પોર્ટ, સૈન્ય મથકો પર હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. અમને માત્ર ભારત સરકારના આદેશની રાહ હતી, આ હુમલો કરવા માટે ભારતીય નેવી સંપૂર્ણ રીતે સક્ષમ છે. 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો, જે બાદ ભારતીય નેવીએ પોતાના જવાનો, યુદ્ધ જહાજો, સબમરીન અને લડાકુ વિમાનોને તરત જ સમુદ્રમાં તૈનાત કરી દીધા હતા. જ્યારે ઓપરેશન સિંદૂરમાં પાક.ના કરાચી પોર્ટ સહિતના અનેક સૈન્ય મથકો ઉડાવવાની તૈયારી હતી, અમને માત્ર સરકાર તરફથી આદેશની જ રાહ હતી. 

- શહીદ જવાનના પરિવારને ૫૦ લાખની રોકડ સહાય

કાલ્લિથંડા (આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશ સરકારે, જમ્મુ-કાશ્મિરના પૂંચ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સામસામા તોપમારામાં શહીદ થયેલા મૂળ આંધ્રના જવાન મુદાવથ મુરલી નાયકના પરિવારને રવિવારે ૫૦ લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે.

 રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે શનિવારે રાત્રે મુરલી નાયકનો પાર્થિવ દેહ શ્રીસત્યસાઈ જિલ્લા સ્થિત એમના નિવાસસ્થાને પહોંચ્યો એ પછી રવિવારે એના પર શ્રધ્ધાસુમન ચઢાવ્યા. કલ્યાણે શહીદ જવાનના પરિવારનેે પોતાના તરફથી ૨૫ લાખ રૂપિયાની સહાય જાહેર કરીને એની સાથે ઐક્યની ભાવના દર્શાવી.

વળી, રાજ્ય સરકાર તરફથી મુરલી નાયકના કુટુંબને પાંચ એકર કૃષિ-જમીન, જ્યારે ગૃહ નિર્માણ માટે ૩૦૦ ચોરસ યાર્ડ જમીન પૂરી પાડશે. નાયકના સ્વજનને, પ્રધાનમંડળમાં કરાનારી ચર્ચા પછી સરકારી નોકરી અપાશે, એમ પવન કલ્યાણે પત્રકારોને જણાવ્યું.

રાજ્યના અન્ય મંત્રીઓએ પણ સદ્ગત જવાનને પુષ્પાંજલિ અર્પી. એમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાશે, એમ રાજ્ય સરકારે જણાવ્યું. 

- પાક. હુમલામાં શહીદ પાંચ જવાનોને સેનાએ શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા આ ઘર્ષણમાં ભારતીય સૈન્યના પાંચ જવાનો પણ શહીદ થયા હતા. પાકિસ્તાને સરહદે ભારે તોપમારો કર્યો હતો, જેમાં આ જવાનો શહીદ થયા હતા. રવિવારની પ્રેસ કોન્ફરંસમાં સેનાના ડીજીએમઓએ આ માહિતી આપી હતી. સાથે જ તેમણે શહીદ જવાનો તેમજ પાક.ના ગોળીબારમાં સરહદી વિસ્તારોમાં માર્યા ગયેલા નાગરિકોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

જે જવાનો શહીદ થયા તેમાં આંધ્ર પ્રદેશનો ૨૭ વર્ષીય મુરલી નાઇક, હરિયાણાના દિનેશ કુમાર શર્મા, બીએસએફના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, હિમાચલ પ્રદેશના સુબેદાર મેજર પવન કુમારનો પણ સમાવેશ થાય છે. જ્યારે સરહદે પાક.ના ગોળીબારમાં ૨૦થી વધુ નાગરિકોના મોત નિપજ્યા હતા, જ્યારે ૬૦થી વધુ ઘાયલ થયા હતા. આ ઉપરાંત જમ્મુના રાજૌરીમાં એક આઇએએસ અધિકારી પણ માર્યા ગયા હતા.    


Tags :