Get The App

100 કરોડ ભારતીયોના ખિસ્સા ખાલી, વધારાનો ખર્ચ કરવા માટે રૂપિયા નથી: ચોંકાવનારો અહેવાલ

Updated: Feb 28th, 2025

GS TEAM

Google News
Google News
 Indians have no spending money


Indians have no extra money to spend : દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતનું ગ્રાહક-બજાર ખૂબ વિશાળ હોવાનું ગાણું વારંવાર ગવાતું રહે છે. દુનિયાના તમામ દેશોને અને મોટીમોટી કંપનીઓને ભારતની 140 કરોડ જનસંખ્યાની ગરજ હોવાથી મૂડીબજાર ક્ષેત્રમાં ભારતનો હાથ ઉપર હોવાની રૂડી-રૂપાળી વાતો તો બહુ થાય છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ક્યારેય વિચાર્યું છે કે તોતિંગ લાગતી 140 કરોડની જનસંખ્યામાં મુક્તમને ખરીદી કરી શકે એટલા લોકો દેશમાં કેટલા છે? આ બાબતે તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલે ચોંકાવનારા તારણો જાહેર કર્યા છે.

શું કહે છે અહેવાલ?

‘માર્સેલસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ’ નામની કંપની દ્વારા જાન્યુઆરી, 2025માં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે કહે છે કે, ભારતમાં 140 કરોડ લોકો રહે છે, પરંતુ એમાંના લગભગ 100 કરોડ લોકો પાસે મૂળભૂત જરૂરિયાત ઉપરાંતની પોતાની ઈચ્છા મુજબની ચીજવસ્તુઓ અથવા સેવાઓ પર ખર્ચ કરવા માટે નાણાં નથી. ટૂંકમાં, ભારતના એક અબજ લોકો ફક્ત ખપ પૂરતું કમાઈ લે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ સ્થિત ‘માર્સેલસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ’ કંપની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ (PMS) અને રોકાણ સલાહકાર (IA) સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની સ્થાપના વર્ષ 2018 માં થઈ હતી.

ફક્ત આટલા ભારતીયો પાસે છે મનફાવે એમ ખર્ચવાની તાકાત

આંકડાં કહે છે કે ભારતના ફક્ત 13-14 કરોડ લોકો જ મનમરજી પ્રમાણેનો ખર્ચ કરવાની શક્તિ ધરાવે છે. હા, દેશના 30 કરોડ લોકો પોતાની ઈચ્છા મુજબ નાણાં ખર્ચતા થયા છે જરૂર, પણ તેઓ હજુ ‘ઉભરતા ઉપભોક્તા’ છે અને ‘અમુક-તમુક હદ સુધી’ જ ખરીદી કરતા થયા છે. 

અમીરો વધુ અમીર થઈ રહ્યા છે 

માર્સેલસનો અહેવાલ કહે છે કે, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ભારતનો ઉપભોક્તા વર્ગ એટલો ઝડપથી વિસ્તરી નથી રહ્યો. શ્રીમંતોની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો, પણ જેઓ પહેલેથી શ્રીમંત છે તેઓ વધુ ને વધુ સમૃદ્ધ થઈ રહ્યા છે, વધુ ને વધુ મોટા ખર્ચ કરતાં થયા છે.

બજાર અમીરોને ધ્યાનમાં લઈને વિકસી રહ્યું છે

ભારતનો શ્રીમંત નાગરિક વધુ ખર્ચ કરતો હોવાથી દેશનું ગ્રાહક-બજાર ‘પ્રીમિયમાઈઝેશન’ પામી રહ્યું છે. એટલે કે, બજારમાં એવી મોંઘી બ્રાન્ડનો ખડકલો થઈ રહ્યો છે જે અમીરોને જ પરવડે. મધ્યમ વર્ગને ધ્યાન રાખીને બજાર નથી વિકસી રહ્યું.

મકાનો અને મોબાઈલ તો બસ બે ઉદાહરણ થયાં

અદ્યતન અને મોંઘા મકાનો તથા આઈ-ફોન જેવા પ્રીમિયમ મોબાઈલના થઈ રહેલા વેચાણ પરથી સ્પષ્ટ થાય છે કે, બજાર અમીરોના પર્ચેઝિંગ-પાવર(ખરીદશક્તિ)ને ધ્યાનમાં રાખીને વિકસી રહ્યું છે. પાંચ વર્ષ અગાઉ સુધી પોસાય તેવા મકાનોનો હિસ્સો ભારતના બજારમાં 40 % જેટલો હતો, જે હવે ઘટીને માત્ર 18 % રહી ગયો છે. આઈ-ફોન જેવી બ્રાન્ડેડ વસ્તુઓ બજારનો મોટો હિસ્સો કબજે કરી રહી છે. ‘કોલ્ડપ્લે’ અને ‘એડ શીરાન’ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોના કોન્સર્ટની મોંઘી ટિકિટો ભારતમાં હોટ કેકની વેચાઈ જાય છે, જે ફક્ત અમીરોને જ પરવડે એવી ‘એક્સ્પીરિયન્સ ઈકોનોમી’ (અનુભવ અર્થતંત્ર)નું ઉદાહરણ પૂરું પાડે છે.

અમીર-ગરીબ વચ્ચે વધી રહેલી ખાઈ

માર્સેલસના અહેવાલ મુજબ વર્ષ 1990 માં ભારતના ટોચના 10 % અમીરો પાસે રાષ્ટ્રીય આવકનો 34 % હિસ્સો હતો, જે હવે વધીને 57.7 % થઈ ગયો છે. રાષ્ટ્રીય આવકમાં દેશના ગરીબ નાગરિકોનો હિસ્સો 22.2 % હતો તે હવે ઘટીને 15 % થઈ ગયો છે. કોવિડ-19 ની મહામારી પછી તો ભારતમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. અમીરો વધુ સમૃદ્ધ થયા છે, ગરીબોએ ખરીદશક્તિ ગુમાવી દીધી છે. તેઓ બસ ખપપૂરતું કમાઈ લે છે, એટલું જ.

મધ્યમ વર્ગની આવકમાં આવેલી સ્થગિતતા

માર્સેલસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ દ્વારા સંકલિત ડેટા કહે છે કે, ભારતનો મધ્યમ વર્ગ ‘ઉપભોક્તા માંગ’ માટેનું મુખ્ય એન્જીન છે. તેની આવકમાં વધારો ન થતો હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ઈન્કમ ટેક્સ ચૂકવતા અડધોઅડધ લોકોની આવક છેલ્લા એક દાયકામાં સ્થિર થઈ ગઈ છે. ફુગાવાને ધ્યાનમાં લઈને કહીએ તો દસ વર્ષ અગાઉ તેઓ જે કમાતા, આજે પણ એટલું જ કમાય છે, પણ એ આવકની ખરીદશક્તિ અડધી થઈ ગઈ છે. પરિણામે મધ્યમ વર્ગની બચત કરવાની ક્ષમતા છેલ્લા 50 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. જે કંઈ કમાય છે એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓમાં જ ખર્ચાઈ જાય છે, પછી બચત ક્યાંથી થાય? અને કંઈ બચતું જ નથી તો ‘વિશેષ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ’ પર ખર્ચવાનો પ્રશ્ન જ નથી રહેતો!

AI નું આગમન પણ નડી ગયું

છેલ્લા થોડા વર્ષોમાં લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI) નો પ્રવેશ થઈ ગયો છે, જેને લીધે શહેરી વિસ્તારોમાં હજારો-લાખો ‘વ્હાઈટ-કોલર’ નોકરીઓ છીનવાઈ ગઈ છે. AI ને લીધે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ (ઉત્પાદન એકમો)માં સુપરવાઈઝરની નોકરીઓને ગંભીર અસર થઈ છે. આ પ્રમાણ વધતું જ જવાનું. ભારત એક ‘કન્ઝમ્પ્શન બેઝ્ડ ઈકોનોમી’ (ઉપભોગ આધારિત અર્થતંત્ર) છે. લોકોની નોકરીઓમાં ઘટાડો થશે તો એમની ખરીદશક્તિ ઘટશે, જેની સીધી અસર બજાર પર પડશે અને એ લાંબે ગાળે દેશના આર્થિક વિકાસને અટકાવી દેશે.

આ બે બાબતો થોડો હકારાત્મક બદલાવ લાવી શકે

‘વાર્ષિક બજેટમાં અપાયેલી કર રાહત’ અને ‘ગ્રામીણ ભારતમાં વધેલી ચીજવસ્તુઓની માંગ’ આ બે બાબતોને લીધે ભારતના નાગરિકોની ખરીદશક્તિને વેગ મળશે અને એને લીધે દેશની જીડીપીને ફાયદો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. બહુ મોટો તો નહીં, પણ થોડો ફાયદો પણ થશે, એવો આશાવાદ સેવાયો છે.

Tags :