- આતંકવાદ વિરોધી ઓપરેશન માટે જતી વખતે અકસ્માત
- ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બુલેટપ્રુફ વાહન કેસ્પર 200 ફૂટ ઊંડી ખાઈમાં પડયું : 11 જવાનો ઘાયલ
જમ્મુ : ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદી વિરોધી કાર્યવાહી માટે સૈનિકોને લઇ જતું સેનાનું એક સશસ્ત્ર વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૧૦ સૈનિકોનાં મોત થયા હતાં અને અન્ય ૧૧ ઘાયલ થયા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ અકસ્માત બપોરના સમયે ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ૯૦૦૦ ફૂટ ઉંચા ખન્ની ટોપ પર એ સમયે થયો જ્યારે બુલેટપ્રૂફ વાહન કેસ્પરનાં ડ્રાઇવરે અંકુશ ગુમાવી દીધો હતો. જેના કારણે વાહન ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડયું હતું.
કેસ્પર એક માઇન રેસિસ્ટેંટ એમ્બુશ પ્રોટેક્ટેડ (એમઆરએપી) વાહન છે. આ વાહન માઇન અથવા આઇઇડીનો ખતરો વધારે હોય તેવા વિસ્તારમાં જવાનોને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સેનાનાં જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોર્પ્સ આ ઘટનાને કમનસીબ ગણાવી હતી અને જણાવ્યું હતું કે ખરાબ હવામાનમાં આ વાહન રોડ પરથી એ સમયે લપસી પડયું જ્યારે જવાનો ખતરનાક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચાર સૈનિકો સ્થળ પર જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. ઘાયલ થયેલા અન્ય ૧૭ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૬ જવાનોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ થયો હતો. બાકીના ૧૦ ઘાયલોને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં વિશેષ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ મુખ્યપ્રધાન ગુલામનબી આઝાદે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.


