જરૂરી સુચનાના અભાવે ખાલીખમ દોડતી સરદાર પ્રતિમા પરિસરની બસો
-કેવડિયામાં વિવિધ પ્રોજેકટ જોવા માટે 15 દિવસ સુધી બસ સેવા પ્રવાસીઓ માટે વિના મૂલ્યે રખાઈ છે
કેવડિયા કોલોની તા.20 નવેમ્બર 2019 બુધવાર
વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમા પરિસરના વિવિધ પ્રોજેકટોમાં જવા માટે પર્યટકોના લાભાર્થે ૧૫ દિવસ માટે વિના મૂલ્યે બસ સેવા રખાઈ છે. પરંતુ, પૂર્વ જાણકારી વિના આ બસો હાલ ખાલીખમ દોડતી રહે છે. અને ડિઝલના ધુમાડા ઉડાવી રહી છે.
ઈકો ટુરિસ્ટ કોચ સર્વિસની કુલ 10 બસ હાલ પ્રોજેકટોમાં જવા માટે મૂકવામાં આવ્યો છે. પ્રતિમાના મુલાકાતીઓ માટે ટિકિટ સાથે બસની સુવિધા છે. જે કેવડિયાથી સીધી પ્રતિમા સ્થળે આવી પ્રવાસીઓને નર્મદા બંધ લઈ જાય છે.
જયારે ઈકો ટુરિસ્ટ બસો પાર્કીગના સ્થળેથી એકતા મોલ, આરોગ્ય વન અને કેનાલ પર થઈ કેકટસ ગાર્ડન સહિતના પ્રોજેકટોમાં પ્રવાસીઓને લઈ જાય છે. સંબંધિત પ્રોજેકટ માટેની ટિકિટ પ્રવાસીએ કઢાવવાની થાય છે.
છેલ્લા પાંચેક દિવસથી કાર્યરત આ સેવાની કોઈ જાહેરાત કરાઈ નથી. તેથી આ બસો ખાલીખમ આંટાફેરા મારી રહી છે.