રાજપીપળા તા.1 ડિસેમ્બર 2019 રવિવાર
આતંકવાદી બળોની નજર નર્મદા બંધ, સરદાર સરોવર સહિતના પ્રવાસન સ્થળો પર ચોંટેલી રહી હોવાથી સુરક્ષા હેતુ બાઇક પર પેટ્રોલીંગ કરવાનો નિર્ણય કરાયો છે. આ સ્થળોએ રજાઓ અને તહેવારોના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોવાથી આતંકીઓના હુમલાની દહેશત વધી છે.
નર્મદા નિગમે કેવડિયા સ્થિત એસઆરપી ગૃપ-૧૮ને સલામતી જાળવવા ખાસ બુલેટ બાઇક્સ ફાળવી છે. બાઇક પર પેટ્રોલીંગ સ્થાનિક ભુગોળને લક્ષ્યમાં રાખીને કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. નાની મોટી ટેકરીઓ પરના સાંકડા રસ્તા પર બાઇક સરળ રીતે અને ઝડપથી ફરી વળે તેમ છે. ટ્રાફિકજામની સ્થિતિમાં નાની જગ્યામાંથી પણ પસાર થઇ શકે તેમ હોઇ બુલેટ બાઇક્સને તમામ સુવિધાથી સુસજ્જ કરવામાં આવી છે.
આગામી એક સપ્તાહમાં આ આતંકીના નિશાન પર રહેલા સ્થળોએ એસઆરપી જવાનો બુલેટ બાઇક પર સજ્જ થઇ સાદા કપડા યા ગણવેશમાં રાતદિવિસ પેટ્રોલીંગ શરૂ કરી દેશે.સરદાર સરોવર નિગમે હાલ એસઆરપી ગૃપ-૧૮ને પાંચ બુલેટ બાઇક ફાળવી છે. અને ટુંક સમયમાં બાઇક પેટ્રોલીંગનો આરંભ કરાનાર છે.


