કેવડિયા જંગલ સફારીમાં એશિયાટિક માદા સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો
-બે થી ત્રણ મહિના બાદ પ્રવાસીઓ બચ્ચાને જોઇ શકશે
રાજપીપળાઃ નર્મદા જિલ્લાના સરદાર પ્રતિમાં પાસે આવેલા કેવડિયા જંગલ સફારીમાં એશિયાટિક માદા સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે.જંગલ સફારીમાં પ્રથમ વાર બે બચ્ચાનું આગમન થયું છે.નવજાત બચ્ચાને હજુ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા નથી.બે થી ત્રણ મહિના પછી પ્રવાસીઓને આ બચ્ચા જોવા મળશે.
હાલમાં નવજાત શિશુઓની કાળજી રાખવામાં આવી રહી છે.સરદાર પટેલની પ્રતિમા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારીમાં 62 જાતનાં 1000 પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટેટયૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગિરીકંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટર અને તેનાથી પણ વધુ ઊંચી ટેકરી વાળા વિસ્તારમાં 62 પ્રજાતિના એક હજારથી વધુ પ્રાણીઓ અને દેશ વિદેશના પક્ષીઓ હાલ જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહિતના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવામાં આવ્યા છે.આ સાથે સક્કરબાગ ઝુ અને જુનાગઢ ઝુમાંથી સિંહ અને સિંહણ સાથે ચિત્તો સહિતના અન્ય પ્રાણીઓ પાર્કમાં લાવવામાં આવ્યા છે.
-બચ્ચાના જન્મ બાદ થોડા સમય સુધી જાતિ જાણી શકાતી નથી
આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવરથી ધમધમતી રહે છે.તેની વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણનો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે.230 દિવસ એટલે કે લગભગ સાત મહિનાથી વધુ સમયના ગર્ભકાળ પછી સિંહણ રાણીએ બાળ સિંહને જન્મ આપ્યો છે. સિંહણના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરીએ હાલમાં કહી શકાય તેમ નથી.
યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી તેમનું નામકરણ કરવામાં આવશે.એશીયાઇ સિંહ દંપતિના નટખટ સિંહ બાળકોની ચહલ પહલથી પીંજરું અને તેનો આસપાસને માહોલ જીવંત બની ગયો છે.