રાજપીપળામાં કોરોનાની દહેશતના કારણે ડિઝીટલ બેસણું યોજાયું
-ફેસબુક લાઈવ, વોટ્સએપ અને વીડિયો કોલિંગના માધ્યમથી સગા- સંબંધીઓએ પરિવારને સાંત્વના આપી
રાજપીપળા તા.31 માર્ચ 2020 મંગળવાર
રાજપીપળામાં વણિક સમાજના મોભીનું અવસાન થતાં કોરોનાના લોકડાઉનના અને 144 નો અમલ હોવાથી બેસણાંમાં વધુ માણસો ભેગા ન થાય તે માટે સમાજ દ્વારા ડિઝિટલ બેસણાનું આયોજન કરાયું હતું.
રાજપીપળા રણછોડજી મંદિર પાસે રહેતા વણિક સમાજના મોભી ગિરીશચંદ્ર મોતીલાલ પરીખનું 19 માર્ચના રોજ 85 વર્ષની વયે અવસાન થયું હતું. એમનું બેસણું લોકડાઉન દરમિયાન 31 માર્ચે આવતું હોવાથી કોરોનાના લોકડાઉનના કારણે સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવું જરૂરી હતું. લોકડાઉનના નિયમોનું પાલન કરવા સ્વજનોએ ફેસબુક અને વોટ્સએપને બેસણાના કાર્યક્રમ માટેનું માધ્યમ બનાવી બેસણાના દિવસે પરિવારે ફેસબુક લાઈવ અને વોટ્સ એપ વિડીયો કોલિંગ દ્વારા કરી ડિઝીટલ બેસણું યોજી સરકારની ગાઈડ લાઈનનું પાલન કર્યું હતું.
ઉપરાંત બેસણાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિગ પણ જાળવી રાખી અને 144 ની કલમનો પણ ભંગ ન તેવું આયોજન કર્યું હતું. ડિઝીટલ બેસણામાં જોડાયેલા લોકોએ વણિક પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી. ડિઝીટલ બેસણા દરમિયાન ફક્ત 15 જેટલા વણિક પરિવારજનોએ પોતાને સેનેટાઇઝ કરી બેસણાં સ્થળે પ્રવેશ કર્યો હતો.
વણિક પરિવારના સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ કોરોનાના કારણે કોઈએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. પરિવારના આ દુઃખદ પ્રસંગમાં આવી શક્યા ન હતા એવા ઘણા સ્વજનો અને મિત્રોએ ડિઝીટલ બેસણામાં ફેસબુક લાઈવ અને વોટ્સ એપ કોલિંગથી સાંત્વના આપી હતી.