યુટયુબર જ્યોતિ મલ્હોત્રા 2024માં ફક્ત 3 મહિનામાં 3 વાર મુંબઇ આવી હતી
મુંબઇની રેકી કરી હોવાની એજન્સીઓને શંકા
મુંબઇના રોકાણ દરમિયાન મુખ્ય સ્થળોના વીડિયો અને ફોટાગ્રાફ લીધા હતા
મુંબઇ - પાકિસ્તાન માટે જાસુસી કરવાના આરોપસર તાજેતરમાં હરિયાણા સ્થિત યુટયુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિની તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે, જેમા જ્યોતિએ ૨૦૨૪માં જુલાઇથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં ત્રણવાર મુંબઇની મુલાકાત લીધી હતી. જ્યોતિએ તેના મુંબઇના રોકાણ દરમિયાન મુખ્ય સ્થળોના વીડિયો અને ફોટાગ્રાફ લીધા હતા.
ઉચ્ચ સ્તરીય ગુપ્તચર સૂત્રોના જણાવ્યાનુસાર તેની મુંબઇની મુલાકાત દરમિયાન તેણે વીડિયો અને ફોટો દ્વારા વિવિધ વિસ્તારોનું વિસ્તૃત દસ્તાવેજી કરણ કર્યું હતું. જેમાંથી કેટલાક સામગ્રી તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળી આવી છે.
ઓગસ્ટ ૨૦૨૪માં તે પહેલી વખત અમદાવાદથી મુંબઇ કર્ણાવતી એક્સપ્રેસ દ્વારા આવી હતી. સૂત્રોનુસાર તેણે સમગ્ર મુસાફરી દરમિયાન વીડિયો રેકોર્ડ કર્યા હતા જેમા રેલ્વે સ્ટેશનો અને રસ્તામાં વિવિધ સ્થળોના ફૂટેજનો સમાવેશ થાય છે. આ યાત્રા દરમિયાન તેણે મુંબઇના કયાં કયાં વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુંબઇમાં તેના રહેઠાણ બાબતની માહિતી મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ રીતે જુલાઇ મહિનામાં પણ એકવાર તે લકઝરી બસનો ઉપયોગ કરી રોડ માર્ગે મુંબઇ આવી હતી અને થોડા દિવસો મુંબઇમાં રોકાણ હતી. આ મુલાકાતની વિગતો તેના લેપટોપ અને મોબાઇલ ઉપકરણોના ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણમાંથી બહાર આવી છે જેમાં ખાસ ડેટા રિકવરી ટૂલ્સના ઉપયોગ કરીને ડિલીટ કરેલી મીડિયા ફાઇલો પુનઃ પ્રાપ્ત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ સિવાય જ્યોતિ સપ્ટેમ્બર, ૨૦૨૪માં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી પંજાબ મેલ ટ્રેનમાં બેસીને મુંબઇ આવી હતી. નોંધનીય છે કે તેણે મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે ભાગલા પહેલા પંજાબ મેલ એક સમયે મુંબઇને પેશાવર સાથે જોડતી હતી. અને એવો દાવો કર્યો હતો કે તેણે આ ટ્રેનને 'સીમાઓ પાર પ્રેમ'ના પ્રતીક તરીકે પસંદ કરી હતી. જ્યોતિએ તેની એક મુલાકાતમાં લાલબાગ ચા રાજાની મુલાકાત પણ લીધી હતી. આ સમયે તપાસકર્તાઓને જાણવા મળ્યા મુજબ તેણે બંને સ્થળોએ ભારે ભીડ, સ્થાનિક લે આઉટ, પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો અને આસપાસના માળખાકીય સુવિધાઓનું વ્યાપકપણે ફિલ્માંકન કર્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સોફ્ટ ટાર્ગેટ તરીકે મુંબઇના ઇતિહાસને ધ્યાનમાં રાખી એનઆઇએ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને સાયબર ઇન્ટેલિજન્સ એકમ વધુ તપાસ કરી રહી છે.