Mumbai

કપિલ શર્માને ધમકી આપનારા યુવકનો કોઈ ગેંગ સાથે સંબંધ નથી

By GS TEAM
3 Oct 20252 mins read
કપિલ શર્માને ધમકી આપનારા યુવકનો કોઈ ગેંગ સાથે સંબંધ નથી

પોલીસ તપાસમાં માહિતી મળી

ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર, રોહિત ગોદરાના નામે રૃ.એક કરોડની ખંડણી માગી

મુંબઈ -  કોમેડિયન કપિલ શર્માના કેનેડાના કેફેમાં ગોળીબાર બાદ તે સોફટ ટાર્ગેટ હોવાથી પશ્ચિમ બંગાળથી પકડાયેલા યુવકે ઝડપથી પૈસા કમાવવા તેને રૃ.એક કરોડની ખંડણી માટે ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે તેનો કોઈ ગેંગ સાથે સંબંધ નથી.   ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના શર્મા અને તેના પીએને ધમકીભર્યા ફોન અન ેવીડિયો મોકલવામાં આવ્યા હતા. આ ધમકી કુખ્યાત અંડરવર્લ્ડ ગેંગસ્ટર રોહિત ગોદર અને ગોલ્ડી બ્રાર નામે કરવામાં આવ્યા હતા. શર્મા પાસે રૃ.એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

તાજેતરમાં કેનેડામાં શર્માના કેફે પર ગોળીબાર થયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે ધમકીને ગંભીરતાથી લીધી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ- ૮ને આપવામાં આવી હતી.

પોલીસની ટીમે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ટેકનિકલ વિષ્લેષણના આધારે તપાસ કર્યા પછી પશ્ચિમ બંગાળથી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે 'આરોપી દિલીપના અંડરવર્લ્ડ ગેંગ સાથે  કોઈ સંબંધ નથી. તેણે કેનેડામાં કપિલ શર્માના કેફેમાં થયેલી ગોળીબારની ઘટનાનો લાભ લીધો હતો.આરોપીએ વિચાર્યું હતું કે  વાતાવરણ ગરમ હતું. એટલે કપિલ શર્મા ડરી જશે અને પૈસા ચૂકવશે. આથી તેણે રૃ.એક કરોડની ખંડણી માંગી હતી. 

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડીએ સોશિયલ મીડિયા પર બંને ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. બીજી તરફ મુંબઈમાં પોલીસે શર્માના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી હતી.