Mumbai

સિંહગઢ કિલ્લા પરથી ગુમ થયેલો યુવક 5 દિવસે મળ્યો

By GS TEAM
26 Aug 20253 mins read
સિંહગઢ કિલ્લા પરથી  ગુમ થયેલો યુવક 5 દિવસે મળ્યો

ભાળ ન મળતા રેસ્ક્યુ ઓપરેશન પડતું  મૂકાયું હતું

હૂડીમાં મોઢું છૂપાવીને પસાર થતો દેખાયાના સીસીટીવી ફૂટેજઃ જોકેઃ કૂતરાનેં બચાવવા જતાં  ખીણમાં લપસી  પડયો હોવાનો યુવકનો દાવો

મુંબઈ -  સિંહગઢના કિલ્લા પરથી નીચે ખીણમાં પટકાયો હોવાનું મનાતો યુવાન અંતે પાંચ દિવસ બાદ સિંહગઢ કિલ્લાના જ એક દુર્ગમ સ્થળેથી અસ્વસ્થ હાલતમાં મળી આવ્યો હતો. ગૌતમ ગાયકવાડ (૨૪) નામના યુવાનને શોધી ખીણમાંથી બહાર કાઢવા અને બચાવી લેવા એનડીઆરએફ, ફાયરબ્રિગેડસ વન વિભાગ અને પોલીસે  બે દિવસ રેસ્ક્યુ અભિયાન હાથ ધર્યું હતું, પણ તેની કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન સિંહગઢ કિલ્લાના પગથિયા પર સીસીટીવીમાં ગૌતમ જેવો જ દેખાતો એક યુવાન હૂડીમાં મોઢું છૂપાવીને પસાર થતો જોવા મળ્યો હોવાની વાત બહાર આવતા એજન્સીઓને શંકા નિર્માણ થઈ હતી. તેથી ગૌતમ ખરેખર ખીણમાં પડયો હતો કે જાણી જોઈને તેણે નાટક રચ્યું છે તેવી શંકા ગઈ હતી. 

ગૌતમ  હેમખેમ મળી આવતા લોકોની શંકા દૂર થઈ હતી. ગૌતમે હોસ્પિટલમાંથી માધ્યમોને જણાવ્યું હતું કે ઘટના બની તે દિવસે તે પેશાબ કરવા તેના મિત્રોથી થોડો દૂર ગઢમાં નીચેની તરફ ઉતર્યો હતો. આ દરમિયાન તેણે નીચે એક કૂતરાને ખીણમાં ફસાયેલો જોયો હતો  આ કૂતરો ગમે ત્યારે ખીણમાં પડી શકે તેમ હોવાથી તેણે કૂતરાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નમાં કૂતરો તેના હાથમાંથી છટકીને ખીણમાં ખાબક્યો હતો અને તે પણ નિયંત્રણ ગુમાવી નીચેની તરફ ખેંચાઈ ગયો હતો. તેણે બચવા માટે જેટલા પ્રયાસો કર્યા તેટલો તે વધુ ઊંડે ધસી રહ્યો હતો, પણ એકદમ ખીણમાં પડી જવાથી તેનો બચાવ થયો હતો અને તે દુર્ગમ સ્થળે ચારથી પાંચ દિવસ ફસાયેલો રહ્યો હતો. અંતે જીવતા રહેવાનો પ્રયાસમાં તેણે બૂમો પાડવાનું શરૃ કર્યું હતું જે પાંચ દિવસ બાદ અમુક લોકોએ સાંભળી હતી અને તેની જાણ સંબંધિતોને કર્યા બાદ તેનો બચાવ કરવામાં આવ્યો હતો.

આ  સંદર્ભે પુણેના ડીસીપી સંદીપ ગિલે માધ્યમોને જણાવ્યું હતું કે ગૌતમ તેના ચાર મિત્રો સાથે સિંહગઢ કિલ્લા પર ફરવા આવ્યો હતો. જોકે પેશાબ કરવાનું કહી તે ગયા બાદ તેની કોઈ ભાળ મળી નહોતી. તેના મિત્રોએ તેની ખૂભ શોધખોળ કરી હતી, પણ તેની કોઈ ભાળ ન મળતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુમ થવાની ફરિયાદ નોંધી હતી અન ેપોલીસ તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાના દિવસે મોડી રાત સુધી તેની શોધખોળ આદરી પણ તેની કોઈ ભાળ મળી નહોતી. ત્યાર બાદ બીજા દિવસે પણ તેની વિવિધ એજન્સીના સમન્વયથી વ્યાપક શોધખોળ આદરી હોવા છતાં ેતેની કોઈ ભાળ મળી નહોતી. અંતે પોલીસે તેના પરિવાર અને મિત્રોની પૂછપરછ શરૃ કરી હતી.

ડીસીપી  સિંહના જણાવ્યા મુજબ રવિવારે સાંજે કિલ્લાની અમુક જગ્યાએથી કોઈ મદદ માટે બૂમો મારી રહ્યું હોવાની જાણ અહીં આવેલા સહેલાણીઓએ ગાર્ડને કરતા તેણે પોલીસને જાણ કર્યા બાદ ગૌતમને શોધી કાઢ્યો હતો. તેની તબિયત સાવ નંખાઈ ગઈ હતી અને તે અસ્વસ્થ હોવાથી કોઈને કાંઈ જણાવી શકવાની સ્થિતિમાં પણ નહોતો તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને આઇસીયુમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતા તેણે પોલીસને અને માધ્યમોને ટૂંકમાં ઉપરોક્ત માહિતી આપી હતી. તે એકદમ સ્વસ્થ થઈ જશે ત્યાર બાદ તેના પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા ડીસીપી સંદીપ ગિલે કરી હતી.