નદીમાં ઝંપલાવવાનું રીલ બનાવવા જતાં તરુણનું મોત
ભંડારાના યુવકે ઈન્સ્ટા રીલના ચક્કરમાં જીવ ગુમાવ્યો
યુવક પાણીમાં ડૂબી ગયો, આ રીલનો ભાગ જ છે એમ માની મિત્ર વિડીયો ઉતારતો રહ્યો
મુંબઈ - ભંડારામાં રીલ બનાવવાના નાદમાં ૧૨ ધોરણનો વિદ્યાર્થી વૃક્ષ પર ચઢીને નદીના પાણીમાં પડતાં પાણીનો અંદાજ ન રહેતા ડૂબી ગયો હતો. આ સમયે તેનો મિત્ર આ ઘટના પણ રીલનો ભાગ હોવાનું વિચારીને વિડીયો શૂટ કરતો રહ્યો હતો. તેથી યુવકના મૃત્યુની આ ઘટના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી.
સોનેગાંવમાં રહેતો ધો. ૧૨નો વિદ્યાર્થી તીર્થરાજ બરસાગડે રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે મુરુમ નદીમાં ન્હાવા માટે ગયો હતો અને અહીં ઈન્ટાગ્રામ માટે રીલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેથી તીર્થરાજે તેના એક મિત્રને તેનો મોબાઈલ ફોન આપીને તેનો નદીમાં કૂદી પડવાનો વિડીયો શૂટ કરવા કહ્યું હતું. આ બાદ તીર્થરાજ ત્યાં રહેલ ઊંચા વૃક્ષ પર ચઢ્યો હતો અને વૃક્ષ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે, પાણીનો અંદાજ ન રહેતા થોડીવારમાં તે ડૂબી ગયો હતો.
આ ઘટનાની જાણ થવા છતાં આ ઘટના પણ વિડીયોનો ભાગ હોવાનું વિચારીને તેના મિત્રએ વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ બાદ થોડી વાર પછી પણ તીર્થરાજ પાણીમાંથી બહાર ન આવતા બંને મિત્રોએ તરત જ ગામમાં ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. આ અંગે માહિતી મળતા જ ગામલોકો અને તીર્થરાજના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વધુમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઘણી મહેનત બાદ તીર્થરાજનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ ઘટનાથી મૃતકના પરિવાર પર શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.