ભાંડુપમાં વરસાદી પાણીમાં રસ્તા પર પડેલા વાયરના સંપર્કમાં આવતાં યુવકનું મોત
રસ્તા પરના ખુલ્લા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવી ગયો
સ્થાનિકોએ બૂમો પાડી ચેતવવા પ્રયાસ કર્યો પણ હેડ ફોન લગાવેલો હોવાથી સાંભળી જ નહિ
મુંબઈ - મુંબઈના પૂર્વીય પરાં ભાંડુપમાં બનેલી એક દુર્ઘટનામાં ભારે વરસાદ દરમિયાન હેડફોન લગાવી ઘરે જતા એક કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. મંગળવારે ભારે વરસાદ વચ્ચે રસ્તા પર પાણી ભરાયેલાં હતાં અને તેમાં જ મીટર બોક્સમાંથી નીકળેલાં હાઈટેન્શન વાયર ખુલ્લા પડયા હતા. ૧૭ વર્ષનો દીપક પિલ્લાઈ આ વાયરના સંપર્કમાં આવતાં જ જોરદાર વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
ભાજુપ વેસ્ટમાં એલબીએસ રોડ પર પન્નાલાલ કમ્પાઉન્ડ પાસેની ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર દીપકે હેડફોન લગાવ્યા હતા. આજુબાજુના લોકોએ તેને નજીકમાં વાયર છે ત્યાં ન જવા ચેતવણી આપતી બૂમો પાડી હતી. પરંતુ, હેડફોનના કારણે તેને લોકોની ચેતવણી સંભળાઈ જ ન હતી.
આ સંપૂર્ણ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છ. તેમાં કિશોર એક ડગલું આગળ વધ્યા બાદ અચાનક જ ધસી પડતો દેખાય છે.
ે એક પ્રત્યક્ષદર્શી દિનેશ જૈને જણાવ્યું હતું કે અમે તેને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો. કે તે બાજુ ન જાય કારણકે તે તરફ વીજળીનો કરંટ લાગવાનો ભય હતો. પરંતુ તેણે હેડફોન લગાવ્યો હોવાથી તે અમારો અવાજ સાંભળી શક્યો નહોતો. તેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને જમીન પર ઢળી પડયો હતો અને તેનું મોત થયું હતું.
આ કિસ્સામાં વાયરો ખુલ્લામાં છોડી દેવાની બેદરકારી સામે પણ લોકો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.