Get The App

રખડતું કૂતરું કરડયા બાદ હડકવા થવાના ડરે યુવકની આત્મહત્યા

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
રખડતું કૂતરું કરડયા બાદ હડકવા થવાના ડરે યુવકની આત્મહત્યા 1 - image

કલ્યાણના યુવકને લાગ્યું કે માતાપિતા દુઃખ સહન નહીં કરી શકે

રેબિઝનું ઈન્જેક્શન લીધા બાદ પણ હડકવાના લક્ષણો દેખાતાં બેન્ક કર્મચારી ડરી ગયો  હતો

મુંબઈ  -  કલ્યાણમાં રખડતો કૂતરો કરડયા બાદ રેબિઝ થવાના ભયે અને માતા પિતા આ પીડા સહન નહીં કરી શકે તેવા ડરથી ૩૦ વર્ષીય બેંક કર્મચારી યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે એક સુસાઈડ નોટ પણ લખી હતી અને રેબિઝના ડરના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

વિગત મુજબ, કલ્યાણ પૂર્વના તીસ ગાંવ નાકા વિસ્તારમાં રવિવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં ૩૦ વર્ષીય આયેશ અમીનનું મોત નીપજ્યું હતું.  જે થાણે શાખામાં ખાનગી બેંકમાં કામ કરતો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે એક ચિઠ્ઠી પણ લખી હતી. જેમાં તેણે હડકવાના ડરને કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

થોડા દિવસ પહેલા આયેશને તિસગાંવ નાકા વિસ્તારમાં એક રખડતા કૂતરાએ  હુમલો કરતા આયશને પગમાં કરડયો હતો. રખડતા કૂતરાએ કરડયા પછી તે હોસ્પિટલમાં ગયો હતો અને રેબીઝનું એક જ ઈન્જેક્શન લીધું હતું. ડોક્ટરના કહેવા મુજબ તે દવા પણ લઈ રહ્યો હતો.

પરંતુ આ દરમિયાન તેને હડકવાના લક્ષણો દેખાવા લાગતા તે ખૂબ ડરી ગયો હતો. જેથી તેને હડકવા થઈ જશે તેવો ભય લાગ્યો હતો. આથી તે છેલ્લા કેટલાક દિવસથી નિરાશામાં હતો અને સોમવારે તેણે ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી હતી. આ સુસાઈડ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે હડકવાના કારણે તેના વૃદ્ધ માતા પિતા આ દુઃખ સહન નહીં કરી શકે. તેથી તે આ પગલું ભરી રહ્યો છે. તેથી મારા મૃત્યુ માટે હું કોઈને જવાબદાર ઠેરવતો નથી. 

જો કે, આયશે આ આત્યંતિક પગલું ભરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.