બસની જેમ ફ્લાઈટ પકડવા યુવકે એરપોર્ટના રન વે પર દોટ લગાવી

સુરક્ષાનું ભોપાળું મુંબઈ એરપોર્ટ પર બસ ડેપો જેવાં દ્રશ્ય
નવી મુંબઈ રહેતા મૂળ બિહારના યુવકને પટના જવું હતું પણ એરપોર્ટ પર મોડો પહોંચતાં બોર્ડિંગ બંધ થઈ ગયું હતું
મુંબઈ: સામાન્ય રીતે ઉપડી ગયેલી બસ પકડવા માટે તેની પાછળ દોડતા પ્રવાસીઓનાં દ્રશ્યો બસ ડેપો પર રોજ જોવા મળતાં હોય છે પરંતુ મુંબઈ એરપોર્ટ પર કહેવાતી ચુસ્ત સિક્યોરિટી વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટનામાં એક યુવક મિસ થઈ ગયેલી ફલાઈટ પકડવા માટે રન વે પર દોડયો હતો. મૂળ બિહારના દરભંગાનો વતની પણ હાલ નવી મુંબઈના કળંબોલી વિસ્તારમાં રહેતો યુવક હજુ થોડીવાર પહેલાં જ એરપોર્ટ પર ભુજથી આવેલાં વિમાન સુધી પહોંચી ગયો હતો તેને એમ હતુું કે આ મારી પટનાની જ ફલાઈટ છે. આ યુવકની એરપોર્ટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ગત ગુરુવારની છે. પિયુષ સોની નામનો યુવક સવારે ૯.૫૦ વાગ્યાના અરસામાં મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેણે પટના જવા માટે એર ઈન્ડિયાની ફલાઈટની ટિકિટ બૂક કરાવી હતી. જોકે, તે મોડો પડયો હતો. તે બોર્ડિંગ ગેટ પર પહોંચ્યો ત્યારે બોર્ડિંગ ઓલરેડી બંધ થઈ ચૂક્યું હતું.
પોતે ફલાઈટ મિસ કરી દેશે તેવું લાગતાં પિયુષ ગભરાયો હતો. તેણે તરત જ રન વે પર દોટ મૂકી હતી. રન વે પર આ સમયે ભુજથી આવેલું એક વિમાન લેન્ડ થયેલું હતું. જોકે, પિયુષને લાગ્યું હતું કે આ તેનું પટના જતું જ વિમાન છે અને પોતે દોડીને ત્યાં સુધી પહોંચીને ફલાઈટ પકડી શકે છે. એરપોર્ટના ગેટ નંબર ૪૨ અને ૪૩ વચ્ચેના ઈમરજન્સી ગેટને ખોલીને તે એરપોર્ટના એપ્રન પર જ્યાં વિમાનો પાર્ક થતાં હોય છે તે તરફ દોડયો હતો. આ વખતે એપ્રનમાં ગ્રાઉન્ડ સ્ટાફ હાજર હતો. એક યુવકને અચાનક ફલાઈટ તરફ દોડતો આવતો જતાં સ્ટાપફ તરત જ એલર્ટ થયો હતો. એર ઈન્ડિયાના એક કર્મચારીેએ તરત જ પિયુષને આંતરી લીધો હતો અને તેને પકડીને સુરક્ષા કર્મીઓને સોંપી દીધો હતો. પોલીસ તથા સીઆઈએસએફ દ્વારા પૂછપરછમાં પિયુષે શરુઆતમાં તેવો દાવો કર્યો હતો કે ગ્રાઉન્ડ વ્હિકલના ડ્રાઈવરે જ તેને ભૂલથી રનવે પર ઉતારી દીધો હતો. જોકે, સઘન પૂછપરછ બાદ તેણે કબૂલ્યું હતું કે તેને લાગ્યું હતું કે પોતે રન વે પર ફલાઈટ સુધી પહોંચીને તે પકડી શકે તેમ છે. આથી તેણે દોટ મૂકી હતી. આ બાદ પિયુષ પર ભારતીય ન્યાય સંહિતા અને માનવ જીવનને જોખમમાં મૂકવા અને ફલાઈટ અધિનિયમને લગતી કલમોનાં ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી.
અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ અને એરપોર્ટ સુરક્ષા પ્રણાલીઓની સમીક્ષા કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં સુરક્ષાનું ઉલ્લંઘન કેવી રીતે થયું તે સમજવવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પિયુષ એપ્રન પર પહોંચ્યો ત્યારે કોઈ વિમાન લેન્ડ કે ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું ન હતું. અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. જોકે, આ ઘટનાથી એરપોર્ટ પર સલામતી બાબતે મોટું ભોપાળું બહાર આવ્યું છે.









