ઓનલાઇન જુગારમાં દેવું થઈ જતાં પત્ની- પુત્રને ઝેર આપી યુવકની આત્મહત્યા

ઓનલાઈન જુગારની લતે ધારાશિવમાં સુખી પરિવારનો ભોગ લીધો
દંપતિએ ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને બે મહિનાનો પુત્ર હતોઃ ઘર-જમીન વેચાઈ ગયાં છતાં દેવું ન ઉતરતાં હતાશ હતો
મુંબઇ - ધારાશિવ જિલ્લાના બાવી ખાતે બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં ઓનલાઇન જુગારની લતમાં માથે મોટું દેવું થઇ જતા ૩૦ વર્ષના એક યુવાને તેની પત્ની અને બે વર્ષના પુત્રને ઝેર આપી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. એક સાથે એક જ પરિવારના ત્રણેય જણનો આ રીતે અંત જોઇ બાવી ગામના લોકો પણ ગમગીન થઇ ગયા હતા.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર મૃતક લક્ષ્મણ મારુની જાધવ (૩૦) અને તેજસ્વિનીએ ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. દંપતિનો બે વર્ષનો શિવાંશ નામનો સુંદર બાળક પણ હતો. સુખી સંસાર ચાલી રહ્યો હતો ત્યાં લક્ષ્મણને ઓનલાઇન રમી જુગાર રમવાની લત લાગી હતી. ધીરે ધીરે લક્ષ્મણ જુગાર રમવામાં ઉંડો ઉતરતો ગયો અને જુગારમાં બેફામ નાણા ખર્ચવા માંડયો હતો. આ ઉપરાંત લક્ષ્મણે શેર બજારમાં પણ મોટું રોકાણ કર્યું હતું તેમા પણ તેને નુકસાન થઇ રહ્યું હતું.
ઓનલાઇન જુગાર અને શેરબજાર એમ બંને ઠેકાણે મોટું નુકસાન જતા તેના પર મોટું દેવું થઇ ગયું હતું. દેવું ચૂકવવા તેણે થોડા સમય પહેલા તેની જમીન પણ વેચી દીધી હતી. ત્યારબાદ તેણે દેવું ચૂકવવા પોતે જે ઘરમાં રહેતો હતો તે ઘર પણ વેચી દીધું હતું તેમ છતાં દેવાના ચક્કરમાંથી બહાર આવી શક્યો નહોતો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા અંતે નિરાશ થઇ લક્ષ્મણે પ્રથમ પત્ની અને પુત્રને ઝેર આપ્યું હતું અને પછી પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાની જાણ થતા જ ધારાશિવ ગ્રામિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.









