પ્રોફેસર સાંઈબાબા પુણ્યતિથિના કાર્યક્રમ બાબતે 'ટીસ'ના વિદ્યાર્થીઓ સામે કેસ
ક્રિમીનલ કેસને લીધે તમને ક્યાંય સરકારી નોકરી નહીં મળે અને ખાનગી નોકરીમાં પણ પેન્ડિંગ ફોજદારી કેસનો ખુલાસો આપવો પડશે ઃ કોર્ટ
મુંબઈ - દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન.સાંઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા બદ્દલ ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સેસ (ટીસ)ના નવ વિદ્યાર્થીઓને સોમવારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશે ઠપકો આપ્યો હતો. તેમજ ચેતવણી આપી હતી કે, તેમની સામેનો કેસ તેમની ભાવિ કારકિર્દીને પ્રતિકૂળ અસર કરી શકે છે. ન્યાયાધીશે નવ વિદ્યાર્થીઓને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.
'તમારો ગુનાહિત રેકોર્ડ છે. હવે માત્ર અહીં જ નહીં તો દેશમાં સર્વત્ર તમારો રેકોર્ડ પોલીસ પાસે છે. તમારી કારકિર્દી શરુ થાય તે પહેલાં જ તમે મોટી ભૂલ કરી દીધી છે એ તમે જાણો છો?' એવું પણ એડિશનલ ન્યા.મનોજ બી ઓઝાએ કહ્યું હતું.
૫૭ વર્ષીય સાંઈબાબાને પાંચ માર્ચ, ૨૦૨૪ના રોજ બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી અમાન્ય ઠેરવાઈ હતી. હાઈકોર્ટે ૨૦૧૭ના સેશન્સ કોર્ટના આદેશને રદ્દ કર્યો હતો. જેમાં પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના સક્રિય સભ્ય હોવાના આરોપસર સાંઈબાબાને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
૧૨ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ દેવનારમાં ટીઆઈએસએસ કેમ્પસમાં સાંઈબાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમ સંદર્ભે આ એફઆઈઆર કરાઈ છે. જેમાં નવ વિદ્યાર્થીઓના નામ સમાવિષ્ટ છે અને તેમની આગોતરા જામીન અરજીઓ પર સેશન્સ કોર્ટ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. સોમવારે ન્યાયાધીશ મનોજ બી ઓઝાએ કોર્ટરુમની પાછળ લાઈનમાં ઊભેલાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં એ પણ કહ્યું હતું કે, તમારામાંથી કેટલાં મહારાષ્ટ્ર બહારના છો? આ બધા માટે મહારાષ્ટ્રમાં અભ્યાસ કરવા આવ્યા છો? તમારા પિતા આ કેસ વિશે જાણે છે? તમારામાંથી કેટલાંના પિતા સરકારી નોકરીમાં છે? કેસને કારણે તમને સરકારી નોકરી નહીં મળે. જો તમે ખાનગી નોકરી કરશો તો પણ તમારે તમારી સામેના પેન્ડિંગ ફોજદારી કેસનો ખુલાસો કરવો પડશે.'


