Get The App

મુંબઈમાં યલો એલર્ટ ! આજથી 2 દિવસ તોફાની વરસાદની આગાહી

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈમાં યલો એલર્ટ ! આજથી 2 દિવસ  તોફાની વરસાદની આગાહી 1 - image


નાસિકમાં સતત ચાર-પાંચ દિવસથી વરસાદની રમઝટ

કોંકણ-મરાઠવાડા  સહિતના મહારાષ્ટ્રના વિસ્તારોમાં ચાર દિવસ ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ ખાબકશે

મુંબઇ -     હવામાન વિભાગે  એવો સંકેત  આપ્યો  છે કે મુંબઇ સહિત આખા  મહારાષ્ટ્રના હવામાનમાં ફરીથી  તોફાની પલટો આવી રહ્યો છે. આવતા ચાર દિવસ(૧૩થી ૧૬--મે) દરમિયાન મહારાષ્ટ્રમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે હળવી -મધ્યમ વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.

 આવતા બે દિવસ(૧૩,૧૪-મે) દરમિયાન મુંબઇમાં સાંજે--રાતે ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. આવતીકાલે મુંબઇ માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે.

દરમિયાન, નાસિકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી રોજેરોજ વરસાદ પડી રહ્યો છે. હજુ આગલા  દિવસે તોફાની પવન સાથે વરસાદથી જૂના નાસિક વિસ્તાર ઉપરાંત સિડકો, સાતપુર ખાતે અનેક વૃક્ષો  ધરાશાયી થયાં હતાં. આજે  પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. ભારે વરસાદથી નાસિકના મેઈન રોડ, શાલીમાર, સીબીએસ તથા અન્ય વિસ્તારોમાં પાણી  ભરાઈ ગયાં હતાં. 

બીજીબાજુ આવતા ચાર દિવસ(૧૩થી ૧૬-મે) દરમિયાન કોંકણ(થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,જળગાંવ,ધુળે, અહિલ્યાનગર,કોલ્હાપુર, સાતારા, સાંગલી,સોલાપુર(યલો --ઓરેન્જ એલર્ટ), મરાઠવાડા( છત્રપતિ સંભાજીનગર,જાલના,પરભણી, બીડ,હિંગોળી, નાંદેડ,લાતુર,ધારાશિવ ઃ યલો ઃ ઓરેન્જ એલર્ટ ), વિદર્ભ(અકોલા,અમરાવતી,ભંડારા, બુલઢાણા,ચંદ્રપુર,ગઢચિરોળી,ગોંદિયા, નાગપુર, વર્ધા,વાશીમ, યવતમાળ-- યલો ઃ ઓરેન્જ એલર્ટ) )માં  મેઘગર્જના, વીજળીના પ્રચંડ ચમકારા સાથે તોફાની પવન(૪૦--૫૦ કિ.મી-પ્રતિ કલાક) અને વરસાદી વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.

હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)ના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે  ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ સૌરાષ્ટ્રથી અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ હિસ્સાથી અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય હિસ્સા સુધી હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાથ વિદર્ભ પર નૈઋત્ય દિશાના ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે. આ બંને કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મહારાષ્ટ્રના હવામાનમાં પલટો આવી રહ્યો છે.

આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન  ૩૩.૪ અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧ -૭૦ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૧ --૬૨ ટકા જેટલું વધુ રહ્યું હતું.


Tags :