mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વરલી હિટ એન્ડ રનનો ભાગેડુ મિહિર શહાપુરમાં છૂપાયો હતો, વિરારથી ઝડપાયો

Updated: Jul 10th, 2024

વરલી હિટ એન્ડ રનનો ભાગેડુ મિહિર શહાપુરમાં છૂપાયો હતો, વિરારથી ઝડપાયો 1 - image


મિહિરને મદદ કરનારા માતા, 2 બહેન સહિત 12ની અટકાયત

શહાપુરના એક રિસોર્ટમાં હતો,  તેની સાથે વિરાર જવા નીકળેલા એક મિત્રએ 15 મિનિટ માટે મોબાઈલ ચાલુ કર્યો અને પકડાયો

મુંબઇ :  વરલીમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં મહિલાના મૃત્યુ બાદ ફરાર આરોપી અને શિવસેનાના નેતાના પુત્ર મિહિર શાહની મંગળવારે મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય તેની માતા, બે બહેન સહિત ૧૨ જણને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય આરોપીઓએ મિહિરને ગુનામા અને નાસી જવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.

 ે વરલીમાં રવિવારે વહેલી સવારે ૨૪ વર્ષીય મિહિર શાહ બેદરકારીપૂર્વક બીએમડબલ્યુ કાર દોડાવીને સ્કૂટરને ટક્કર મારતા કાવેરી નાખવા (ઉં.વ.૪૫)નું મોત નિપજ્યું હતું તેના પતિ પ્રદીપને ઇજા થઇ હતી. આ ઘટના બાદ નાસી ગયેલા મિહિરની વિરારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ  સૂત્રોના જણાવ્યા અનુસાર મિહિર તથા અન્યો શહાપુરના એક રિસોર્ટમાં હતાં. ત્યાંથી   મિહિર પરિવારમાંથી કોઈને પણ કહ્યા વિના વિરાર જવા રવાના થયો હતો. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો. મિહિરને ખ્યાલ ન હતો કે આ મિત્રનો ફોન પણ પોલીસના સર્વેલન્સ પર છે. આ મિત્રએ માત્ર ૧૫ મિનિટ માટે તેનો ફોન ઓપરેટ કર્યો હતો અને બાદમાં સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે,  મિહિરની શોધ માટે ટાંપીને બેઠેલી પોલીસને એટલી જવારમાં મિહિરનું લોકેશન મળી ગયું હતું. પોલીસ ટીમે વિરાર પહોંચી તેની ધરપકડ કરી લીધી હતી. 

થાણે ગ્રામિણના શહાપુરમાંથી મિહિરની માતા અને બે બહેનને પકડીને પૂછપરછ માટે મુંબઇ લાવવામાં આવી હતી. તેમની સાથે અન્ય ૧૦ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અકસ્માત મિહિરના રાજકારણી પિતા રાજેશ શાહે તેને ભાગી જવામાં મદદનું અને બીએમડબલ્યુ કાર ટૉ કરવાનું કાવતરું ઘડયું હતું. અકસ્માતના થોડા સમય અગાઉ શનિવારે રાતે મિહિર તેના મિત્રો સાથે જુહુના બારમાં ગયો હતો. રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ બારને સીલ કરી દીધો છે. 

અન્ય કારમાં મિહિર નાસી ગયો હતો. મુંબઇ પોલીસે તેને પકડવા ૧૧ ટીમ બનાવી હતી. તે દેશની બહાર નાસી જાય એવી શક્યતા હતી. ઓપી પોલીસે તેની સામે લુક આઉટ સર્ક્યુલર પણ જારી કર્યું હતું. આ મામલામાં મિહિરના પિતા રાજેશ અને ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગણતરીના કલાકમાં રાજેશને જામીન મળી ગયા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પાલઘરના પદાધિકારી રાજેશ શાહની જામીનને લઇને પણ જાતજાતની ચર્ચા થતી હતી. 

નિયમોનું ઉલ્લંઘન કરીને દારૃ આપવા બદલ જૂહુના બારને સીલ કરાયો

મહારાષ્ટ્રમાં  દારૃ પીવાની કાયદેસરની ઉંમર ૨૫ વર્ષની છે. બારના મેનેજરે આ કાયદાનું ઉલ્લંઘન કરીને ૨૪ વર્ષીય મિહિરને દારૃ પીરસ્યો હતો. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે જિલ્લાના કલેક્ટરના આદેશ પર નિયમોના ભંગ બદલ બારને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

૬૦ કલાકે ધરપકડ થઈ હવે લોહીમાંથી દારુના નિશાન નહીં મળે

મિહિરને રવિવારે પરોઢે અકસ્માત બાદ ભગાડી દેવાયો હતો. તે પછી મંગળવારે તેની ધરપકડ થઈ છે. તેને ત્રણ દિવસ સુધી સંતાડી રખાયો હતો. આટલા સમયગાળામાં તેના બ્લડ સેમ્પલ લેવાશે તો પણ તેમાથી તેણે અકસ્માત સમયે દારુ પીધો હતો કે કેમ તેની પુષ્ટિ નહીં થઈ શકે. મિહિરની ધરપકડમાં જાણીબૂૂઝીને વિલંબ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


Gujarat