Get The App

ઘાટકોપર વર્સોવા મેટ્રોમાં વર્કિગ ડે એ જ ગો સ્લોઃ સ્ટેશનો પર અંધાધૂંધી

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ઘાટકોપર વર્સોવા મેટ્રોમાં વર્કિગ ડે એ જ ગો સ્લોઃ સ્ટેશનો પર અંધાધૂંધી 1 - image

સ્ટેશનો પર ભીડ વધતાં સ્ટેમ્પેડ જેવી સ્થિતિ સર્જાઈ 

આગલી રાતે મેઈનટેનન્સ બાદ બીજા દિવસે પ્રોટોકોલ પ્રમાણે ટ્રેનો સ્લો કરાતાં સમગ્ર ટાઈમટેબલ અસ્તવ્યસ્તઃ વીકએન્ડ સુધી ટાળવાની જરુર હતી તેવો જનાક્રોશ

મુંબઈ  -  ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો લાઈન વનમાં ગઈ કાલે  રાતે ટ્રેક પર હાથ ધરાયેલાં  મેઈટેનન્સ કામ બાદ આજે  મેટ્રો ટ્રેનોને બેહદ ધીમી ગતિએ દોડાવાતાં અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. મેટ્રો સેવાઓમાં વિક્ષેપને કારણે ઘાટકોપરથી માંડીને અંધેરી વચ્ચેનાં તમામ રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જામી ગઈ હતી અને મહત્વનાં સ્ટેશનો પર તો ભાગદોડ જેવી સ્થિતિ સર્જાતાં લાખો લોકોએ ભારે પરેશાની વેઠવી  પડી હતી. 

મુંબઈ મેટ્રો વન પર બુધવારે રાત્રીના સમયે જાળવણી કાર્યના ભાગરુપે રેલ ગ્રાઈન્ડીંગ કામગીરી શરુ કરી હતી. આ કાર્ય બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું.

મેટ્રો વન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ કામગીરી બાદ સલામતી પ્રોટોકોલ તરીકે બીજા દિવસે ટ્રેનો ઓછી સ્પીડે દોડાવવી પડે તેમ હતી. 

જોેકે, આજે સવારથી જ મેટ્રો ટ્રેનો ધીમી ગતિએ દોડતાં સમગ્ર સમયપત્રક અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.  સ્ટેશનો પર  ટ્રેનો આવી નહીં રહી હોવાથી ભીડ વધી ગઈ હતી.  પીક અવર્સ દરમિયાન તો પ્લેટફોર્મ પર ક્યાંય પગ મૂકવાની જગ્યા ન મળે તેવી હાલત સર્જાઈ હતી. જે ટ્રેનો આવી તેમાં લોકોએ ધસારો કરી દેતાં લોકલ ટ્રેન કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ મેટ્રોમાં સર્જાઈ ગઈ હતી.  કેટલાય લોકોએ અનેક ટ્રેન છોડી દેવી પડી હતી. 

આ વિલંબને કારણે ઓફિસ જનારાઓને ભારે અસુવિધા થઈ હતી.  મેટ્રોની રાહ જોતા  મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. મુસાફરોનું કહેવું હતું કે  મેટ્રો સત્તાવાળાઓએ પરિસ્થિતિ જુદી રીતે હેન્ડલ કરવાની જરુર હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે   વર્કિંગ ડેને બદલે રવિવાર કે જાહેર રજાના દિવસે  ટ્રેનો ધીમી દોડે તે રીતે કામનું શિડયૂલ ગોઠવવા જેવું હતું. 

સવારે ટ્રેનો ધીમી ચાલી રહી હતી ત્યારે સવારે કેટલાય સમય સુધી મેટ્રો સત્તાવાળાઓએ સ્ટેશનો પર કે પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર કોઈ માહિતી જ આપી ન હતી. છેક સવારે ૧૦ વાગ્યે જાહેર કરાયું હતું કે આજે  ટ્રેનોને સ્લો કરવામાં આવી છે.   અસંખ્ય લોકોએ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કેટલાકે લખ્યુું હતું કે મેટ્રો સત્તાવાળા આ જાણે સાવ નજીવી બાબત હોય તેમ વર્તી રહ્યા છે. વાસ્તવમાં મેટ્રોના અધિકારીઓએ આજની ભીડ વચ્ચે ઉભા રહેવાની જરુર હતી. 

ઉલ્લેખનીય છે કે મુંબઈની સૌથી જૂની મેટ્રો વન ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટીને લીધે મુંબઈની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેટ્રો પણ છે. આ મેટ્રોના ભાગીદારો એમએમઆરડીએ તથા રિલાયન્સ ઈન્ફ્રા વચ્ચેના વિખવાદોને લીધે મેટ્રો શરુ શરુ થઈ ત્યારથી એટલે કે ૧૨ વર્ષથી તેમાં કોઈ સુધારા કે ક્ષમતામાં વધારો કરાયો જ નથી. તેથી આમ પણ ચાલુ દિવસે આ મેટ્રોમાં પિક અવર્સ દરમિયાન ભારે ભીડ રહે છે.