ગરબા- રાસમાં રોમિયો પર વોચ માટે મહિલા પોલીસો સાદાવેશમાં 'ઘૂમશે'

ફિલ્મસ્ટારો આવવાના હોય તેવાં મેદાનો પર વધુ જાપ્તો
મેદાનો અને ડોમમાં સીસીટીવી કેમેરાઃ પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધ
મુંબઈ - નવરાત્રોત્સવમાં દાંડિયા- રાસ છેડતી કરવાવાળાને તરત ઝડપી લેવા માટે અને મહિલાઓની સલામતી જળવાય એટલા માટે રાસ- ગરબાના આયોજનોમાં મહિલા પોલીસો સાદા વેશમાં સહભાગી થશે. એટલે દાંડિયા રમતા કોઈ તરૃણ કે જુવાન કોઈ મહિલા સાથે ગેરવર્તન કરશે તો તેણે પોલીસના દંડુકાનો સ્વાદ ચાખવા તૈયાર રહેવું પડશે.
ગરબા- રાસના આયોજનોમાં સાદા વેશમાં પોલીસોની ટીમ નજર રાખશે જ, ઉપરાંત જ્યાં ખેલૈયાઓની ભારે ભીડ જામતી હોય એવી જગ્યાએ ગરબા- રાસ રમતી વખતે કોઈ મહિલાની છેડતીનો બનાવ ન બને એટલા માટે મહિલા પોલીસો ભેગાભેગી ગરબા કે દાંડિયા પણ રમશે.
નવરાત્રોત્સવ શરૃ થયો એ પહેલાં જ મુંબઈ પોલીસ તરફથી વિવિધ સાર્વજનિક ઉત્સવ મંડળોના આયોજકો તથા કાર્યકરોને સલામતી વ્યવસ્થા કેવી રીતે જાળવવી એ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
મુંબઈ પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ વ્યાવસાયિક ધોરણે થતા આયોજનોમાં રોજેરોજ ફિલ્મ કલાકારો હાજરી આપતા હોય છે. આ ફિલ્મ કલાકારોને જોવા માટે જે ધસારો કરવામાં આવે છે એમાં ક્યારેક છેડતી કે મહિલાઓને ખોટી રીતે સ્પર્શ કરવાની ઘટનાઓ બનતી હોય છે. એટલે મોટેપાયે થતા આવાં આયોજનોમાં સ્થળે પોલીસ તરફથી વિશેષ જાપ્તો રાખવામાં આવશે. આ ઉપરાંત જ્યાંથી મહિલાઓની વધુ ફરિયાદો આવતી હોય એવી જગ્યાએ પણ વધુ બંદોબસ્ત રાખવામાં આવશે.
મુંબઈમાં અનેક જગ્યાએ રાસ- ગરબાના આયોજકો તરફથી ભીડ ઉપર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરાંત ખાનગી સુરક્ષા રક્ષકો તેમજ બાઉન્સરો પણ ગોઠવાયા છે. આ સિવાય અમુક જગ્યાએ તો મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સીઓ તરફથી ડૉગ- સ્વૉડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તાનમાં આવી કોઈ પાણીની બોટલોની ફેંકાફેંક ન કરે માટે મિનરલ વોટર બોટલો પર કોઈક જગ્યાએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.








