પહેલાં લગ્નની વાત છૂપાવી હોવાથી મહિલાની હત્યા થઈ
સાંગલી પાસે શેરડીના ખેતરમાંથી કોહવાયેલી લાશ મળીઃ પણ પુણે સ્ટેશનની ટિકિટ અને સીસીટીવી ફૂટેજના આધારે ફેરિયા-રિક્ષાચાલકે આરોપીઓની ઓળખ આપી
મુંબઈ - સાંગલીમાં શેરડીના ખેતરમાં કોહવાયેલી હાલતમાં મળેલ મહિલાના મૃતદેહ પાસે મળેલી રેલવે ટિકિટના આધારે સાંગલી પોલીસે હત્યાનો ગુનો ઉકેલી લીધો હતો. આ ટિકિટના આધારે પોલીસે પુણે અને મિરાજ રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. પોલીસ તપાસમાં પતિ અને સસરાએ મહિલાના ચારિત્ર્ય પર શંકા હોવાથી અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ગુસ્સામાં તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી. સાંગલી પોલીસે હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશથી પતિ અને સસરાની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ ૩૫ વર્ષીય નીતુ ઉર્ફે શાલિની યાદવ તરીકે થઈ હતી. જે ઉત્તર પ્રદેશના જૌનપુરની વતની હતી. આ કેસમાં પોલીસે મૃતકના ૨૪ વર્ષીય પતિ આકાશ ઉર્ફે વિશાલ યાદવ અને તેના પિતા ૫૫ વર્ષીય દીનદયાળ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના મુજબ,૨૩ ડિસેમ્બરના રોજ બોલવડ ગામની સીમ પાસે શેરડીના ખેતરમાંથી મહિલાનો કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ કોહવાયેલ સ્થિતિમાં હોવાથી તેની ઓળખ સ્થાપિત કરવામાં પોલીસને મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જેથી પોલીસે શરુઆતમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સમાંતરે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. આમાં ઘટનાસ્થળ પરથી પુણે અને મિરાજ વચ્ચેની રેલવે ટિકિટ મળી આવી હતી.
પોલીસે તપાસ કરતા આ રેલવે ટિકિટ ૧૬ ડિસેમ્બરના રોજ પુણે રેલવે સ્ટેશન પર જારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ રેલવે ટિકિટના આધારે તપાસ કરતા પોલીસે પુણે અને મિરાજ રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજમાં બે પુરુષો પીડીતા સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ બાદ રેલવે સ્ટેશન પર ફેરિયાઓ અને રિક્ષાચાલકોને આ અંગે પૂછપરછ હાથ ધરી હતી. આ સમયે ચિક્કી વિક્રેતા અને રિક્ષા ચાલકએ મહિલા અને બંને પુરુષોને ઓળખી કાઢયા હતા.
ચિક્કી વિક્રેતાના અને રિક્ષા દ્વારા મળેલી બાતમીના આધારે પોલીસે બંનેના મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા. આમાં બંને આરોપીઓ ઉતરપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાંગલો પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે નીતુએ આકાશ યાદવ સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે, આકાશને પાછળથી જાણ થઈ હતી કે નીતુએ તેના પહેલા લગ્નની વાત તેનાથી છુપાવી હતી. આ કારણે બંને વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા. વધુમાં ઝઘડાના કારણે નીતું સતત તેની માતાના ઘરે જતી રહેતી હોવાથી આકાશને તેના ચારિત્ર્ય પર શંકા હતી.
દરમિયાન નીતુએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના કારણે આકાશ અને દીનદયાળે નીતુથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું. જેથી આરોપીઓએ મિરાજ વિસ્તારમાં લઈ જઈને પીડીતાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. વધુમાં મહારાષ્ટ્રમાં મૃતદેહ મળી આવતા કેસ ઉકેલવામાં સમય લાગશે તેવું પણ આરોપીઓએ વિચારને મૃતદેહને મિરાજ ગામ નજીક શેરડીના ખેતરમાં છોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે, મૃતદેહની નજીક રેલવે ટિકિટ મળી આવતા આઠ દિવસમાં હત્યાનો મામલો ઉકેલાય ગયો હતો અને આરોપીઓનો પ્લાન નિષ્ફળ ગયો હતો. પોલીસે આ મામલે પતિ અને પિતાની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


