ચૂંટણી જીત્યાના બીજા જ દિવસથી ફરી રસ્તા પર ફળ વેચવા હાજર
મારા જેવી રસ્તા પર ઊભા રહી ફળ વેચનારી સામાન્ય મહિલા નગરસેવક બની તે લોકશાહીનો ચમત્કારઃ આ સ્ટોલ હું ચાલુ જ રાખીશ
મુંબઈ - મહારાષ્ટ્ર જ નહિ પરંતુ દેશભરનાં પર્યટકોનાં માનીતાં સ્થળ લોનાવાલામાં નગર પરિષદની ચૂંટણીમાં આ હિલ સ્ટેશનમાં જાહેર માર્ગ પર જ ફ્રૂટનો સ્ટોલ લગાવી ફળ વેચતી મહિલા ભાગ્યક્ષી જગતાપ નગરસેવક બની છે. ગઈકાલે હાથ ધરાયેલી મતગણતરીમાં તે વિજેતા જાહેર થઈ હતી. જોકે, ચૂંટણી પરિણામ પછી વિજય સરઘસ કે અભિનંદનો સ્વીકારવામાં વ્યસ્ત રહેવાને બદલે તે બીજા જ દિવસથી પોતાના નિયત સ્થળે ફ્રૂટનો ઠેલો લગાવી હાજર થઈ ગઈ હતી.
વર્ષોથી લોનાવાલામાં આ સ્થળે સિઝનલ ફ્રૂટસ લઈને ઊભી રહેતી ભાગ્યશ્રી જગતાપ અજિત પવારની એનસીપી પાર્ટીમાંથી નગરસેવક બની છે.
લોનાવાલાના વોર્ડ ૧૧-એમાં તેણે ભાજપના તેના હરીફને ૬૦૮ મતે હાર આપી હતી.
ભાગ્યશ્રીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારો પરિવાર વર્ષોથી ફળ વેચીને ગુજરાન ચલાવે છે. ચૂંટણી જીત્યા પછી અનેક લોકો મારો સત્કાર કરવા માગતા હતા પરંતુ મારા માટે ફળ વેચવાનો પારિવારિક વ્યવસાય જ સૌથી અગ્રતાક્રમે હોવાથી મેં અહીં આવવાનું પસંદ કર્યું હતું. આથી પરિણામના બીજા જ દિવસે મેં મારી દિનચર્ચા મુજબ રોજના સમયે અહીં હાજર થઈ મારો ફ્રૂટ સ્ટોલ ઓપન કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે પોતે હિલ સ્ટેશનના નગરસેવક તરીકે કામ કરવાની સાથે સાથે રોડ પર જ ઊભા રહી ફ્રૂટ વેચવાનું પણ ચાલુ રાખશે કારણ કે મારા પરિવારનું ભરણપોષણ આ ફ્રૂટ્સ વેચવાના કારણે મળતી આવક થકી જ થાય છે. ભાગ્યશ્રીએ કહ્યું હતું કે મારા જેવી રસ્તા પર ઊભા રહીેને ફળો વેચનારી એક સામાન્ય પરિવારની મહિલા પણ આજે સ્થાનિક પરિષદમાં નગર સેવક બની શકી છે તે લોકશાહીનો જ કમાલ છે.
ભાગ્યશ્રીના પતિ મહાદેવ જગતાપે કહ્યું હતું કે પત્નીને નગરસેવક તરીકેની ફરજ બજાવવા માટે જવું પડે તેવા સંજોગોમાં પોતે ફ્રૂટ સ્ટોલ પર વધુ સમય ફાળવશે. ચૂંટણી પ્રચાર વખતે પણ ભાગ્યશ્રી દિવસભર સ્ટોલમાં ઊભા રહીને ફળો વેચતી હતી અને સાંજ પછી જ તે ખંડાલા બોરઘાટ વિસ્તારના આદિવાસી સમુદાયના મતવિસ્તારોમાં પ્રચાર માટે જતી હતી.
આજે દિવસ દરમિયાન અનેક સ્થાનિક નાગરિકો ભાગ્યશ્રીના સ્ટોલ પરથી ફળો ખરીદવા આવ્યા હતા અને સાથે સાથે તેમણે ભાગ્યશ્રીને નગર સેવક તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.


