Mumbai

રે રોડ સ્ટેશન નજીક લોકલ ટ્રેન પર પથ્થરમારોમાં મહિલા મુસાફર ઘાયલ

By GS TEAM
28 Sep 20252 mins read
રે રોડ સ્ટેશન નજીક લોકલ ટ્રેન પર પથ્થરમારોમાં મહિલા મુસાફર ઘાયલ

લોકલ ટ્રેનોમાં પથ્થરમારાનો ત્રીજો બનાવ 

સીએસએમટી - ગોરેગાવ ધીમી લોકલ ટ્રેન રે રોડ સ્ટેશન નજીક પહોંચતા ઘટના બની

મુંબઈ -  રે રોડ સ્ટેશન નજીક સીએસએમટી- ગોરેગાંવ ધીમી લોકલ ટ્રેન પર પથ્થમારો થતાં મહિલા ડબ્બામાં દરવાજા પર ઉભેલી ૨૮ વર્ષીય મહિલા મુસાફરને પથ્થર માથામાં વાગતા તે ઘાયલ થઈ હતી. વડાલા પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના શુક્રવારના રોજ સાંજે ૭.૧૫ વાગ્યાની આસપાસ બની હતી. ઘટના મુજબ, પરેલની રહેવાસી અને ખાનગી કંપનીમાં કામ કરતી ૨૮ વર્ષીય શિવાની સાંજે સીએસએમટી- ગોરેગાંવ ધીમી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. 

ઘટના સમયે તે લોકલ ટ્રેનમાં મહિલા કોચમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન રે રોડ સ્ટેશન નજીક પહોંચતા શિવાની ટ્રેનમાંથી ઉતરવાની તૈયારી કરી રહી હતી. તેથી તે લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઉભી હતી.આ સમયે અચાનક કોઈકે પથ્થર ફેંકતા તે શિવાનીના માથામાં વાગ્યો હતો. 

જેથી તેના માથામાં ઈજા થતાં તેને કોટન ગ્રીન સ્ટેશન પર ઉતારીને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ અંગે સ્થાનિકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. વડાલા પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, લોકલ ટ્રેનોમાં પથ્થરમારાનો આ ત્રીજો બનાવ બન્યો હતો. તાજેતરમાં લોકલ ટ્રેનોમાં પથ્થરમારીની બે આવી જ ઘટનાઓ શિવારી અને વડાલા સ્ટેશન નજીક બની હતી. આ બંને કિસ્સાઓમાં પણ મહિલા મુસાફરો ઘાયલ થઈ હતી.