Mumbai

લોનાવલામાં મહિલાનું અપહરણ કરી ચાલુ કારમાં બળાત્કાર

By GS TEAM
27 Jul 20252 mins read
લોનાવલામાં મહિલાનું અપહરણ કરી ચાલુ કારમાં બળાત્કાર

બળાત્કાર ગુજારીને પીડિતાને રસ્તા પર ફેંકી દીધી

મહિલાએ શરુઆતમાં ત્રણ શખ્સો સામેલ હોવાનું જણાવ્યું : જોકે, બાદમાં એક જ શખ્સની સંડોવણી જણાઈ

મુંબઇ: પુણે જિલ્લાના પર્યટનસ્થળ લોનાવલામાં એક ૨૩ વર્ષીય મહિલાનું અપહરણ કરી તેના પર ચાલુ કારમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પીડિતાને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. પોલીસે   તુંગારલીના રહેવાસી ૩૫ વર્ષીય આરોપીની આ ઘટના સંદર્ભમાં ધરપકડ કરી છે. 

આ સંદર્ભે  તુંગારલીમાં રહેતી મહિલાની ફરિયાદ મુજબ તે શુક્રવારે રાત્રે પગપાળા ઘરે જઇ રહી હતી. આ સમયે એક કાર તેની નજીક આવી હતી અને એક વ્યક્તિએ તેને બળજબરીથી અંદર ખેંચી હતી. ત્યારબાદ આરોપી તેને નિર્જન સ્થળે લઇ ગયો હતો જ્યાં ચાલતી કારમાં કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે પીડિતે આરોપ લગાવ્યો હતો કે તેને તુંગારલીમાં વિવિધ સ્થળે લઇ જવામાં આવી હતી અને વારંવાર તેનું જાતીય શોષણ કર્યા પછી શનિવારે વહેલી સવારે તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાએ લોનાવલા સિટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨) (એમ) (બળાત્કાર), ૧૩૮ (અપહરણ) હેઠળ કેસ નોંધ્યો હતો અને  ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.

આ બાબતે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના દાવાની ચકાસણી કરવામાં આવી રહી છે. પીડિતાએ શરૂઆતમાં એવો દાવો  કર્યો હતો કે ત્રણ અજાણ્યા માણસો તેને બળજબરીથી કારમાં ખેંચી ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે કારમાં ફક્ત એક જ પુરુષ હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાને ઓળખતો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેઓ દરેક એન્ગલથી કેસની તપાસ ચલાવી રહ્યા છે.