રાતે ચાલતી જતી મહિલા પર એકાએક કૂતરાં તૂટી પડયાં
રસ્તાની બાજુમાં મૃતદેહ મળ્યો ત્યારે બળાત્કાર તથા હત્યાની આશંકા હતી જોકે, સીસીટીવી ફૂટેજ બાદ કૂતરાંઓના હુમલાથી મોતની ખબર પડી
મુંબઈ - પુણેમાં ભટકતા કૂતરાઓના ટોળાએ હુમલો કરતા ૩૩ વર્ષીય મહિલાનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. શરૃઆતમાં આ હત્યા કે બળાત્કારની ઘટના હોવાની ચર્ચા થઈ રહી હતી.પરંતુ સીસીટીવી ફુટેજ દ્વારા ખબર પડી હતી કે મહિલાનું મોત કૂતરાઓના હુમલાને કારણે થયુું છે.
સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના રાતે લગભગ બે વાગ્યે બની હતી જ્યારે શોભા વાઘમારે નામની મહિલા પુણે-નાસિક હાઇવેને અડીને આવેલા ચાકણ વિસ્તારમાં સવસ રોડ પર ચાલી રહી હતી.
મહિલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે રખડતા કૂતરાઓના ટોળાએ અચાનક તેના પર હુમલો કર્યો. મોડી રાત હોવાથી રસ્તા પર કોઈ નહોતું. કમનસીબે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, ચાકણ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે આ મામલામાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.
તે ચાકણમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી.મહિલા ઘરે જઈ રહી હતી. ત્યારે લગભગ છ રખડતા કૂતરાઓએ અચાનક તેના પર હુમલો કર્યો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી અને મહિલાએ પથ્થર ઉપાડીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે કૂતરાઓના ટોળાથી પોતાને બચાવી શકી ન હતી. કૂતરાઓએ તેના હાથ, પગ, ચહેરા અને ગરદન પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને વધુ પડતા રક્તાવને કારણે લગભગ પંદર મિનિટમાં જ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૂૂળ નાંદેડની વતની શોભા વિજય વાઘમારે છેલ્લા કેટલાક મહિનાઓથી પુણેના ચાકણમાં રહેવા આવી હતી.
દરમિયાન, સવારે વિસ્તારના નાગરિકોને મહિલાનો મૃતદેહ રસ્તાની બાજુમાં મળ્યો હતો. આથી સ્થાનિકો ચોંકી ગયા હતા. શરૃઆતમાં હત્યા કે બળાત્કાર ગુજારવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ સ્પષ્ટ થયું કે આ ઘટના રખડતા કૂતરાઓના હુમલાને કારણે બની છે.
આ બનાવ બાદ ચાકણ વિસ્તારમાં ફરી એકવાર રખડતા કૂતરાઓનો વધતો ત્રાસ સામે આવ્યો છે.જેના લીધે નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકોએ વહીવટીતંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.


