ભિવંડીમાં 3 સગીર પુત્રીઓ સાથે મહિલાની ગળેફાંસો ખાઈને આત્મહત્યા
મહિલા દ્વારા લખાયેલ સુસાઈડ નોટ મળી
પતિ નાઈટ શીફ્ટ કરીને ઘરે પરત ફરતા આ ઘટના પ્રકાશમાં આવીઃ આખા વિસ્તારમાં ચકચાર
મુંબઈ - ભિવંડીના ફેનેીપાડા વિસ્તારમાં ં૩૨ વર્ષીય મહિલાએ અને ત્રણ સગીર પુત્રીઓ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને આ મામલે મહિલા દ્વારા લખેલી એક સુસાઈટ નોટ પણ મળી આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ભિવંડી પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં ૩૨ વર્ષીય પુનિતા, તેની પુત્રીઓ ચાર વર્ષીય અનુ, ૭ વર્ષીય નેહા અને ૧૨ વર્ષીય નંદિનીનો મૃતદેહ ફેનીપાડા વિસ્તારમાં તેમના ઘરના સીલીંગ ફેન સાથે ગળેફાસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યા હતા.
લાલજી ફેને વિસ્તારમાં તેના પરિવાર સાથે ચાલીમાં રહેતો હતો. તે પાવરલુમ યુનિટમાં કામ કરતો હતો. ઘટના સમયે તે નાઈટ શીફ્ટમાંથી ઘરે પરત ફર્યો હતો. આજે સવારે ૯ વાગ્યાની આસપાસ લાલજીએ વારંવાર દરવાજો ખટખટાવવા છતાં અંદરથી કોઈનો જવાબ ન મળતાં, તેણે ત્યાં પાસે રહેલી નાની બારીમાંથી અંદર ડોકિયું કરતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ બાદ જ્યારે લાલજી દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો ત્યારે તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સીલીંગ પરના પંખા સાથે ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આળ્યા હતા. આ ઘટના બાદ તેણે તરત જ આ અંગે પાડોશીઓને જણાવ્યું હતું. જેથી પાડોશીઓ તરત જ એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે પંચનામુ કરીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. વધુમાં પોલીસને મહિલા દ્વારા લખાયેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતકે જણાવ્યું હતું તેણે ભરેલા આ આત્યંતિક પગલા માટે કોઈને દોષી ઠેરવવામાં ન આવે.
પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આ મામલે તમામ એંગલથી તપાસ શરુ કરી હતી. જો કે, મહિલાએ પ્રથમ તેની ત્રણેય પુત્રીઓને ગળેફાંસો આપીને પછી પોતે પણ કેમ આત્મહત્યા કરી અને આ આત્યંતિક પગલું કેમ ભર્યું તેંનું હજું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. તેથી પોલીસની ટીમ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ શરુ કરી હતી.