મુંબઈ એરપોર્ટ પર 154 દુર્લભ વિદેશી વન્યજીવ સાથે મહિલાની ધરપકડ

ટ્રોલી બેગમાં છુપાયેલા વન્યજીવો મળી આવ્યા
સાપ, કાચબા અને ગરોળીઓ સહિત ૧૩ વિવિધ વન્યજીવ પ્રજાતિઓ મળી આવ્યા
મુંબઈ - મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ દેશમાં ૧૫૪ દુર્લભ વિદેશી વન્યજીવોની દાણચોરીના આરોપમાં બેંગકોકથી આવેલા એક મહિલા મુસાફરની ધરપકડ કરી હતી.
કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (સીએસએમઆઈએ) પર ઝોન ૩ના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરતા બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલ થાણેની રહેવાસી મહિલા મુસાફરને શંકાના આધારે અટકાવવામાં આવી હતી.
આ બાદ તેની સઘન તપાસ કરતા ટ્રોલી બેગમાંથી છુપાયેલા ૧૩ વિવિધ વિદેશી વન્યજીવ પ્રજાતિઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ બાદ કસ્ટમ વિભાગે ટ્રોલી બેગમાંથી ૬૬ કોર્ન સાપ, ૩૧ હોગ્નોઝ સાપ, ૨૬ આર્માડિલો ગરોળી, ૧૧ કાચિંડા, ૪ પીળા એનાકોન્ડા, ૪ વોટર મોનિટર ગરોળી (ચંદન ઘો), ૩ પીળા પગવાળા કાચબા, ૩ અલ્બિનો સ્નેપિંગ કાચબા, ૨ લાલ પગવાળા કાચબા, ૨ ઈગુઆના (વિવિધ પ્રજાતિની ગરોળીઓ), ૨ રેકૂન્સ એમ કુલ ૧૫૪ વન્યજીવ પ્રાણીઓ જપ્ત કર્યા હતા.
આ બાદ કસ્ટમ વિભાગે મહિલાની કસ્ટમ્સ એક્ટ અને વન્યજીવ (સંરક્ષણ) એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી હતી. વધુમાં તમામ વન્યજીવો પ્રાણીઓને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને યોગ્ય સંભાળ, તબિબી તપાસ માટે વન્યજીવ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
દરમિયાન તમામ વન્યજીવોને તેમના દેશમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે આ વન્યજીવ તસ્કરી નેટવર્કનો ભાગ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

