મહારાષ્ટ્રની સીઝન પૂરી, હવે તામિલનાડુથી આવક
60-70 રૃપિયે કિલો વેંચાતા લીંબુની કિંમત ૧૦૫ને આંબી ગઈ
મુંબઈ
- ખરા ઉનાળાની ગરમીને આંટી દે એવી અત્યારે પડી રહેલી ગરમીમાં
લીંબુના ભાવમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. અઠવાડિયા પહેલાં ૬૦થી ૭૦ રૃપિયે કિલોના
ભાવે મળતા લીંબુ અત્યારે ૯૦થી ૧૦૫ રૃપિયાની કિંમતે વેંચાવા માંડયા છે.
બળબળતા તાપમાં ટાઢક મેળવવા માટે લોકો લીંબુ પાણીનો મારો ચલાવી રહ્યા છે.
એટલે જ રિટેલ માર્કેટમાં અઠવાડિયા પહેલાં એક લીંબુ બે-ત્રણ રૃપિયામાં મળતું એ
અત્યારે પાંચ-છ રૃપિયામાં વેંચાવા માંડયું છે.
નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની બજારમાં
બુધવારે ૪૫ ટન લીંબુની આવક થઈ હતી.
મહારાષ્ટ્રમાં લીંબુની સીઝન પૂરી થઈ છે. એટલે હવે ઠેઠ તામિલનાડુથી લીંબુની
આવક શરૃ થઈ છે. વધતી ગરમીની સાથે લીંબુના
વધેલા ઉપયોગને કારણે તાજા લીંબુના ભાવ વધવા માંડયા છે. હોલસેલ માર્કેટમાં
તાજા લીંબુ ૯૦થી ૧૦૫ રૃપિયે કિલો અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખવામાં આવેલા
લીંબુ ૫૦થી ૬૦ રૃપિયે કિલોના ભાવે વેંચાય છે.
આખા દેસમાં લીંબુના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. જૂનથી
ફેબુ્રઆરીની સીઝનમાં અહમદનગર અને સોલાપુર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લીંબુ આખા
દેશમાં મોકલવામાં આવે છે. સીઝન પૂરી થયા પછી તામિલનાડુ અને દક્ષિણના રાજ્યોમાંથી
આવતા લીંબુ પર આધાર રાખવો પડે છે.
અઠવાડિયા પહેલાં રિટેલ માર્કેટમાં ૧૦ રૃપિયાના ત્રણ લીંબુ મળતા હતા.
અત્યારે એક લીંબું પાંચ-છ રૃપિયે વેંચાય છે. લીંબુના ભાવ હજી વધશે એવું વેપારીઓનું
અનુમાન છે.


