સોહરાબુદ્દિન કેસમાં આરોપીઓના છૂટકારાને નહિ પડકારીએઃ સીબીઆઈ

ખાસ કોર્ટ દ્વારા છૂટકારાના ૭ વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટને જાણ કરી
સોહરાબુદ્દિનના ભાઈઓએ ટ્રાયલ કોર્ટના ચુકાદને રદબાતલ ઠેરવવા કરેલી અરજીની હાઈકોર્ટમાં સુનાવણી મુંબઈ - સીબીઆઈએ આજે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે ગેંગસ્ટર સોહરાબુદ્દિન શેખ તથા તેના સાથી તુલસીરામ પ્રજાપતિનાં નકલી એન્કાઉન્ટર કેસમાં તમામ ૨૨ આરોપીઓને નિર્દેોષ છોડવાના ૨૦૧૮ના એક ખાસ કોર્ટના ચુકાદાને સ્વીકારી લીધો છે અને તે આ ચુકાદાને પડકારવાની નથી.
એક વિશેષ અદાલતે ડિસેમ્બર ૨૦૧૮માં એક ચુકાદો આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. અદાલતે આ ચુકાદામાં જણાવ્યું હતું કે સોહરાબુદ્દિન શેખ તથા અન્યોને મારવામાં આરોપીઓ સંડોવાયેલા હતા તેવો નક્કર કેસ બનાવવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે.
સોહરાબુદ્દિનના ભાઈઓ રબાબુદ્દિન તથા નયાબુદ્દિન શેખે એપ્રિલ ૨૦૧૯માં આ ચુકાદાને પડકાર્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા નવેમ્બર ૨૦૦૬માં અમદાવાદ પાસે સોહરાબુદ્દિન શેખનું કથિત એન્કાઉન્ટર થયું હતું. તેની સાથે તેની પત્ની કૌસરબીને પણ મારી નાખવામાં આવી હતી.
ડિસેમ્બર ૨૦૦૬માં થયેલાં અન્ય એક એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દિનના સાથીદાર તુલસીરામ પ્રજાપતિનું પણ કથિત એન્કાઉન્ટર થયું હતું.
સર્વોચ્ચ અદાલતે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. બાદમાં તેની ટ્રાયલ મુંબઈમાં ચાલી હતી.
બુધવારે ચીફ જસ્ટીસ શ્રી ચન્દ્રશેર તથા જસ્ટીસ ગૌતમ અંખડની બેન્ચે સોહરાબુદ્દિનના ભાઈઓ દ્વારા થયેલી અપીલની સુનાવણી કરી હતી.
સીબીઆઈ વતી રજૂઆત કરતાં એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે હાઈકોર્ટને કહ્યું હતું કે સીબીઆઈ વિશેષ કોર્ટના ચુકાદા સામે કોઈ અપીલ ફાઈલ કરવાની નથી.
અરજાદર શેખભાઈઓએ દાવો કર્યો હતો કે સમગ્ર ખટલો ક્ષતિયુક્ત હતો. કેટલાક સાક્ષીઓએ કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની જુબાની યોગ્ય રીતે લેવામાં આવી ન હતી.
ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદબાતલ ઠેરવી નવેસરથી સમગ્ર ખટલો ચલાવવામાં આવે તેવી માગણી શેખ ભાઈઓએ કરી હતી.
બેન્ચે અરજદારોને તેમના દાવા અનુસાર કયા કયા સાક્ષીઓની જુબાની ટ્રાયલ કોર્ટ દ્વારા યોગ્ય રીતે નોંધવામાં આવી નથી તેનો એક ચાર્ટ બનાવી લાવવા જણાવ્યું હતું. અદાલતે આ બાબતે વધુ સુનાવણી તા. ૧૫મી ઓક્ટોબર પર મુલત્વી રાખી હતી.
ટ્રાયલ કોર્ટે ૨૨ આરોપીઓને છોડી મૂકતી વખતે પુરાવા પર્યાપ્ત નથી અને ફરિયાદ પક્ષ એક તાર્કીક શંકાથી આગળ કેસને પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાનું ટાંક્યું હતું.
અદાલતે જણાવ્યું હતું કે સીબીઆઈ પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક રાજકારણીઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ પુરવાર કરવામાં નિષ્ફળ ગઈ છે.








