પ્રેમી દિયર સાથે ભાગી જવા પત્નીએ અન્ય મહિલાની હત્યા કરી જીવતી સળગાવી હતી

ક્રાઈમ થ્રીલર શોને ટક્કર મારે તેવી સોલાપુરની ઘટના
મહિલાને એમ કે પોતે આત્મહત્યા કરી હોવાનું મનાશે પણ તેના પિયરિયાંની શંકાના આધારે નિર્દોષ પતિ હત્યાના આરોપસર જેલમાં ધકેલાયો
પોલીસે મહિલા તથા તેના દિયરના કોલ ડેટા રેકોર્ડના આધારે બંનેને શોધી કાઢી ધરપકડ કરી, પૂછપરછમાં સમગ્ર ભેદ ઉકેલાયો
મુંબઈ - સોલાપુરના મંગળવેઢામાં પત્નીને જીવતી સળગાવી દેવા બદલ પતિ જેલમાં ધકેલાયો પણ પત્ની પ્રેમી સાથે અન્ય ગામે મળી હોવાની ઘટનામાં નવો પર્દફાશ થયો છે. વાસ્તવમાં પિતરાઈ દિયર સાથે પ્રેમસંબંધ ધરાવતી આ મહિલાએ એક માનસિક બીમાર મહિલાની હત્યા કરી તેની લાશ સળગાવી દીધી હતી. મહિલાને એમ કે પોતે આત્મહત્યા કરી હોવાનું લોકો માની લેશે પરંતુ તેને બદલે મહિલાનાં પિયરિયાંની ફરિયાદના આધારે તેના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી દેવાયો હતો. જોકે, મહિલા તથા તેના પ્રેમીના કોલ ડેટા રેકોર્ડના આધારે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.
પાટખલ ગામમાં નાગેશ સાવંત અને તેની પત્ની કિરણ બે વર્ષની પુત્રી સાથે રહેતા હતા. ૧૪ જુલાઈના સવારે કિરણે તેના ખેતરમાં ઘાસની ગંજી વચ્ચે સળગી જઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતદેહ સંપૂર્ણ સળગી ચૂક્યો હોવાથી તેની ઓળખ કરવું પણ શક્ય નહોતું. આ ઘટનાની જાણ કિરણના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કિરણનો મૃતદેહ ખૂબ બળી ગયો હોવાથી તેઓ પણ તેને ઓળખી શક્યા નહોતા. જોકે કિરણના પિતાએ તેની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાની શેકા વ્યકત કરતા પોલીસે કિરણના પતિ નાગેશને તાબામાં લઈ તેની અટકાયત કરી હતી પણ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો.
પોલીસે જુદી દિશામાં તપાસ કરી હતી. તપાસમાં જાણ થઈ હતી કે કિરણ તો હયાત છે અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. પોલીસે કિરણ અને તેના દૂરના દિયર અને નાગેશના પિતરાઈ ભાઈ નિશાંતના કોલડેટા રેકોર્ડ તપાસતા બન્ને સતત એકબીજાના સંપર્કમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બન્ને કરાડમાં છુપાયા હોવાનું જણાયા બાદ પોલીસે જાળ બિછાવી બન્નેને ઝડપી લીધા હતા.
કરિણ અને તેના દૂરના દિયર નિશાંતની પૂછપરછ કરતા બન્ને એ પ્રેમસંબંધ હોવાનું કબૂલ્યું હતું. બન્નેે સાથે રહી શકે તે માટે કિરણે પોતે આત્મહત્યા કરી લીધી હોવાનું ઉપજાવી કાઢવા ષડયંત્ર રચ્યું હતું. આ માટે તેમણે થોડા દિવસ પહેલાં એક માનસિક રીતે બિમાર મહિલાને શોધી કાઢી હતી. ત્યારબાદ તે મહિલાને વિશ્વાસમાં લઈ પ્રથમ તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ ખેતરમાં ઘાસની ગંજીમાં તેના મૃતદેહને બાળી મૂક્યો હતો. જો કે આ બન્નેનું જુઠ્ઠાણું ફક્ત બે દિવસમાં જ પકડાઈ ગયું હતું અને પોલીસે આ બન્નેની ધરપકડ કરી હતી. પોલીસ માનસિક બીમાર મહિલા કોણ હતી તેની વધુ તપાસ ચલાવી રહી છે.








