પત્નીએ લગ્ન પહેલાંની અસાધ્ય બીમારી છૂપાવી હોય તો પતિ છૂટાછેડાનો હક્કદાર

ભલે સામાન્ય જીવન જીવી શકે તેમ હોય પણ વાત છૂપાવી એ મહત્વનું
સેરેબ્રલ પાલ્સીથી પીડાતી પત્નીને છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવતાં પતિએ કરેલી અપીલ હાઈકોર્ટેે માન્ય રાખી
મુંબઈ - જીવનસાથીએ સેરેબ્રલ પાલ્સી જેવા અસાધ્ય રોગની વાત લગ્ન પહેલાં છૂપાવી હોય તો તેના આધારે છૂટાછેડા મળી શકે તેમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યુું છે. ફેમિલી કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડાની પતિની અરજી ફગાવી દેતાં પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
ન્યાયમૂર્તિ નીતિન સૂર્યવંશી અને સંદીપકુમાર મોરેની ડિવિઝન બેન્ચે પતિની અપીલ માન્ય રાખી લગ્ન રદબાતલ ઠેરવ્યાં હતાં.
બેન્ચે નોંધ્યું હતું કે પતિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે અને તેથી તે ઘણીવાર અસામાન્ય વર્તન કરે છે, વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી કે રોજિંદા કામ કરી શકતી નથી. વધુમાં નોંધ્યું હતું કે ફેમિલી કોર્ટે તેના ચુકાદામાં અવલોકન કર્યું હતું કે પત્ની સેરેબ્રલ પાલ્સીથી પીડાતી હોવા છતાં, તે સગાઈ સમારંભ દરમિયાન તેમજ લગ્નના દિવસે પણ સામાન્ય રીતે વર્તી હતી. જોકે, તેમાં નોંધવામાં આવ્યું હતું ક આ હકીકતોને છૂપાવવાથી પતિ માટે તે લગ્ન રદ કરાવવાનો આધાર બની શકે છે.
ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમારું એવું માનવું છે કે ફેમિલી કોર્ટે અપીલકર્તા-પતિની અરજીને ફગાવી દેવામાં ચોક્કસપણે ભૂલ કરી છે, કારણ કે તેણે પ્રતિવાદી-પત્નીના અસાધ્ય રોગને રેકોર્ડ પર હોવા છતાં આ વાત તેના અથવા તેના પરિવારના સભ્યો દ્વારા છૂપાવાઈ હતી એ પાસું ધ્યાનમાં લીધું નથી. પત્નીને જન્મજાત સેરેબ્રલ પાલ્સી રોગ હતો અને તે રોગનો ઈલાજ શક્ય નથી તેવા તબીબી પુરાવા પર પણ ન્યાયમૂર્તિઓએ આધાર રાખ્યો હતો.
આ બીમારીથી જાતીય આનંદ સહિત સુખી વૈવાહિક જીવન જીવવામાં તકલીફ પડે તેમ ન હોવા છતાં પણ વધારે મહત્વની વાત એ છે કે પ્રતિવાદી પત્નીએ આ રોગની વાત છૂપાવી હતી. કદાચ તેણે લગ્ન પહેલાં આ વાત જાહેર કરી હોત તો તે સમયે પતિએ કદાચ લગ્ન વિશે પુનઃવિચારણા પણ કરી હોત. આમ, લગ્ન પહેલાં પત્નીના પરિવારના સભ્યો દ્વારા સેરેબ્રલ પાલ્સી રોગની વાત છૂપાવવી એ ચોક્કસપણે અપીલકર્તા-પતિને કાયદાની કલમ ૧૨(૧)(બ) હેઠળ લગ્ન રદ કરવાની માંગણી કરવાનો અધિકાર આપે છે ,એમ બેન્ચે જણાવ્યું હતું.
લગ્ન માટે છેતરપિંડી દ્વારા સંમતિ મેળવાઈ હોય તેવા કેસમાં કલમ ૧૨(૧)(સી) હેઠળ છૂટાછેડા આપી શકાય તેમ જણાવતાં ન્યાયમૂર્તિઓ એ પણ ે નોંધ્યું હતું કે આ કેસમાં પત્નીએ તેના પતિ સાથે ભાગ્યે જ ૬ થી ૭ મહિના સુધી સહવાસ કર્યો અને ત્યારબાદ તે આજ સુધી તેના માતાપિતા સાથે રહી છે. ફેમિલી કોર્ટે આ બધાં પાસાં નહિ ગણકારીને ભૂલ કરી છે. તેવાં અવલોકન સાથે બેન્ચે ફેમિલી કોર્ટના ચુકાદાને રદ કરી પતિને છૂટાછેડા મંજૂર કર્યા હતા. જોકે, અદાલતે પત્નીને ઉપલબ્ધ ભરણપોષણ અને અન્ય આવી રાહતોના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી.









