પત્ની દીકરીને પિતાને નહીં મળવા દે તો ફલેટમાંથી અડધો હિસ્સો ગુમાવશે
Updated: Sep 19th, 2023
વિભક્ત પત્નીને દીકરીને અમેરિકા લઈ જવા શરતી મંજૂરી
દીકરીને બાપને રુબરુ અથવા તો વર્ચ્યુઅલી મળવા દેવાની રહેશેઃ કેટલાક કેસો પણ પાછા ખેંચવાની શરત
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે મહિલાને તેની સગીર પુત્રી સાથે અમેરિકામાં સ્થાયી થવાની પરવાનગી આપી છે, પણ સાથે શરત મૂકી છે કે જો તેના વિભક્ત પતિને સગીર પુત્રી સાથે મળવા દેશે નહીં તો પુણેમાં તેની સહમાલિકીના ફ્લેટમાંથી ૫૦ ટકા હિસ્સો તે ગુમાવશે.
હાલ પોતાની કસ્ટડીમાં રહેલી સગીર પુત્રીને પોતાની સાથે અમેરિકા લઈ જવાની મહિલાએ કોર્ટમાં પરવાનગી માગતી અરજી કરી હતી. આ અરજીમાં કોર્ટે ચોથી સપ્ટેમ્બરે આદેશ આપ્યો હતો. દંપતીએ ૨૦૨૦માં પરસ્પર સંમતિથી છૂટાછેડાનો નિર્ણય લીધો હતો પણ સગીર પુત્રીને મળવા બાબતે વિવાદ હતો. પુણેની ફેમિલી કોર્ટે બાળકીની કસ્ટડી માતાને આપી હતી પણ પિતાને નિયમિત રીતે મળવા દેવાની પણ શરત મૂકી હતી.
ત્રણ વર્ષમાં બંને પક્ષે અનેક અરજીઓ કરવામાં આવી હતી જેમાં પતિએ કોર્ટના અવમાનની અરજી પણ કરી હતી જેમાં આરોપ કર્યો હતો કે પોતાને પુત્રી સાથે મળવા દેવામાં આવતો નથી. મહિલાએ અમેરિકા સ્થાયી થવાની અરજી કરી ત્યારે કોર્ટે દંપતીને સલાહકાર પાસે મોકલાવીને વિવાદ ઉકેલવાનો નિર્દેશ આપ્યો હતો. દંપતીએ હાઈ કોર્ટ પાસે સંમતિપત્રક રજૂ કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે પતિએ પુત્રીને માતા સાથે અમેરિકા જવાની મંજૂરી આપી છે પણ શરત મૂકી છે કે તેને વર્ચ્યુઅલી અથવા પ્રત્યક્ષ રીતે પુત્રીને મળવા દેવામાં આવે અને પોતાની સામેના કેટલાંક ફોજદારી કેસો પત્ની પાછા ખેંચી લેશે.
પતિએ ચિંતા વ્યક્ત કરી હતી કે શરત તો મૂકી છે પણ તેનો અમલ થાય એની કોઈ ખાતરી નથી. આથી તેણે દલીલ કરી હતી કે ભારતીય કોર્ટના અધિકારક્ષેત્રની બહાર પત્ની પર તે લાગુ કરવાનો કોઈ અસરકારક ઉપાય નથી. કોર્ટે આ ચિંતા વ્યાજબી હોવાનું નોંધીને જણાવ્યું હતું કેે જો સંમતિપત્રકની શરતોનો ભંગ થશે તો પતિ તેની સામે અવમાન કાર્યવાહીની અરજી કરી શકશે. અવમાનની કાર્યવાહીમાં જો એવું તારણ નીકળશે કે પતિને પુત્રી સાથે મળવા દેવાની શરતનો હેતુપૂર્વક ભંગ થયો છે કો કોર્ટ પાસે સત્તા છે કે તે પત્નીને પુણેના ફ્લેટનો ૫૦ ટકા હિસ્સો પતિના નામે કરવાનો આદેશ આપશે. જો મહિલા પોતાનો હિસ્સો છોડશે નહીં તો કોર્ટ કમિશનર નિયુક્ત કરીને તેના વતી આ હિસ્સો પતિના નામે કરી દેશે, એમ કોર્ટે જણાવ્યું હતું.