બે લગ્ન પછી પણ અનૈતિક સંબંધ ધરાવતી પત્ની અને તેના પ્રેમીની પતિ દ્વારા હત્યો
પુણેના આઈટી પાર્કમાં માથામાં કોંક્રિટ બ્લોક ફટકારી ડબલ મર્ડર
અગાઉના લગ્નથી બે પુત્રો, બીજાં લગ્ન બાદ પણ પરપુરુષ સાથે જોઈ જતાં પતિ ઉશ્કેરાઈ જતાં હત્યા
મુંબઇ - પુણેમાં બે લગ્ન કર્યા બાદ પણ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખનાર એક મહિલા અને તેના પ્રેમીની બીજા પતિએ માથામાં ક્રોક્રિટ બ્લોક ફટકારી હત્યા કરી નાંખી હતી. આ ઘટના પુણેના તળવડે એમઆઇડીસીના તળવડે આઇટી પાર્ક પાસે બની હતી.
આજે સવારે પુણેના તળવડે આઇટી પાર્કમાં એક નિર્જન વિસ્તારમાંથી એક મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મંગલા સુરેશ ટેંભરે (૪૦) જગન્નાથ પુંડલિક સરોદે (૫૫) તરીકે કરવામાં આવી હતી. આ બાબતે અજાણ્યા વ્યક્તિ સામે દેહુરોડ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બન્ને પુણેના તળવડે વિસ્તારમાં રહેતા હતા.
આજે સવારે તળવડે આઇટી પાર્ક વિસ્તારમાં આવેલ એક ખુલ્લા અને નિર્જન વિસ્તારમાંથી મંગલા અને જગન્નાથનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિકોએ તરત આ વાતની જાણ પોલીસને કરતા દેહુરોડ પોલીસ મથકના અધિકારીઓ તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કરી બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ પ્રકરણે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી મહિલાના બીજા પતિ સત્તાત્રય સાબળે તાબામાં લીધો છે. સાબળે કોન્ટ્રાકટરનું કામ કરે છે અને પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે જ તેની પત્ની મંગલાની હત્યા કરી હતી તેણે પોલીસને જણાવ્યું હતું કે મંગલાના પહેલા પણ લગ્ન થયા હતા અને પહેલા પતિથી તેના બે પુત્રો પણ છે. તેના પહેલા પતિનું મૃત્યું થતા તેણે સાબળે સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેનું જીવન સારું ચાલી રહ્યું હતું ત્યાં મંગળાનો જગન્નાથ સાથે લગ્ન બાહ્ય સંબંધ બંધાયો હતો.
મંગલાના બીજા પતિ સાબળેને મંગલાના આ સંબંધની જાણ થતા તે રોષે ભરાયો હતો. દરમિયાન મંગળવારે મોડી સાંજે તેમે મંગલાને જગન્નાથ સાથે જોઇ જતા તે અત્યંત રોષે ભરાયો હતો અને ગુસ્સામાં તેણે મંગલા અને જગન્નાથના માથામાં સિમેન્ટનો બ્લોક ફટકારી બન્નેની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ દેહુ રોડ પોલીસે સાબળેની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.