- રાજકરણીઓ અને ઉદ્યોગપતિઓમાં બહુ લોકપ્રિય મોડલ
- મુંબઈમાં 2023માં લપસ્યું હતું, 2008માં મેક્સિકોમાં પણ અકસ્માત: નાના એરપોર્ટ અને ટૂંકા રનવે માટે ખાસ વપરાય છે:
મુંબઈ : મહારાષ્ટ્રના ઉપ-મુખ્ય મંત્રીને લઈ જતી ઘટનામાં સામેલ વિમાનને લીયરજેટ ૪૫ તરીકે ઓળખવામાં આવ્યું છે, જે બોમ્બાર્ડિયર દ્વારા ઉત્પાદિત નાનકડું બે એન્જિનનું જેટ છે. ૧૯૯૦ના ઉત્તરાર્ધમાં રજૂ કરાયેલું અને ૧૯૯૮થી સેવામાં સામેલ થયેલા લીયરજેટ ૪૫ની ટૂંકા અને મધ્યમ અંતરના પ્રવાસ માટે રચના કરવામાં આવી હતી. તે તેની ગતિ, સક્ષમતા તેમજ શહેરો વચ્ચેના પ્રવાસના સમયને ઓછો કરવાની ક્ષમતાને કારણે ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને રાજકરણીઓમાં સારુ એવું લોકપ્રિય થયું હતું.
આટલું લોકપ્રિય હોવા છતાં લીયરજેટ ૪૫ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર અકસ્માતોમાં સંડોવાયું હતું. સપ્ટેમ્બર ૨૦૨૩માં મુંબઈમાં ભારે વરસાદ દરમ્યાન એરપોર્ટ ખાતે એક લીયરજેટ ૪૫એક્સઆર રનવે પરથી લપસી ગયું હતું જેમાં તમામ છ પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. એવી જ રીતે ૨૦૦૮માં મેક્સિકો સિટીમાં એક લીયરજેટ ૪૫ ટર્બ્યુલન્સ અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું જેમાં તમામ પ્રવાસીઓના મોત થયા હતા તેમજ ગ્રાઉન્ડ પર અનેક લોકોને ઈજા પહોંચી હતી. અગાઉ ૨૦૦૩માં મિલાન નજીક વધુ એક લીયરજેટ ૪૫ વિમાન પક્ષી અથડાવવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થતા બંને પાયલટોના મોત થયા હતા.
ડીઝાઈન અને ક્ષમતાની બાબતમાં લીયરજેટ ૪૫ લંબાઈમાં ૧૭.૬૮ મીટર છે, તેની પાંખોનો વિસ્તાર ૧૪.૫૮ મીટર તેમજ ઊંચાઈ ૪.૩૦ મીટર છે. તેમાં સામાન્યપણે આરામદાયક ક્લબ શૈલીની કેબિનમાં છથી આઠ પ્રવાસીઓ આમને સામને બેસી શકે છે, એક નાનકડું પેસેજ છે, રિફ્રેશમેન્ટ એરિયા તેમજ બંધ વોશરૂમ છે. વિમાન ૮૦૦થી ૮૫૦ કિ.મી.પ્ર.ક.ની ઝડપે ઊડે છે અને તેની રેન્જ લગભગ ત્રણ હજાર કિલોમીટર છે, જેના કારણે તે મોટાભાગના ભારતીય શહેરો વચ્ચે કોઈપણ વિરામ વિના ઉડાન ભરી શકે છે.
લીયરજેટ ૪૫નું મહત્વનું પાસુ છે તેની નાના એરપોર્ટ અને ટૂંકા રનવે પરથી ઓપરેટ થવાની ક્ષમતા, જેના કારણે તે રાજકીય પ્રવાસો અને તાત્કાલિક પ્રવાસ માટે આદર્શ બની જાય છે. ભારતમાં આવા વિમાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) સાથે રજિસ્ટર્ડ હોય છે અને તેના વીટી-સીરીઝ રજિસ્ટ્રેશન નંબરો હોય છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વીટી-એસએસકે-એલજે૪૫ તરીકે રજિસ્ટર થયું હતું અને દિલ્હી સ્થિત નોન-શેડયુલ્ડ ઓપરેટર વીએસઆર વેન્ચર્સ પ્રા.લિ.ની માલિકીનું છે. તેની યોગ્ય રીતે સંભાળ કરવામાં આવે તો આ વિમાન વિશ્વસનીય સાબિત થાય છે, આ વિમાનમાં ઈન્ટિગ્રેટેડ એવિયોનિક્સ સીસ્ટમ, ટ્રેફિક એલર્ટ એન્ડ કોલિજન એવોઈડન્સ સીસ્ટમ, વેધર રડાર જેવા સલામતિ ફીચરો હોવા છતાં તે હવામાન તેમજ રનવેની સ્થિતિ સામે ખૂબ જ સંવેદનશીલ હોય છે.
લીયર જેટ ૪૫ના નવા તેમજ અપગ્રેડેડ મોડલની કિંમત લગભગ દસ મિલિયન ડોલર (૯૦ કરોડ રૂપિયાથી વધુ) છે. તેમજ અગાઉ ઉપયોગમાં લેવાયેલા લીયરજેટ ૪૫ની કિંમત અઢીથી ચાર મિલિયન ડોલર જેટલી છે. વર્ષ ૨૦૦૦ અગાઉ બનેલા લીયરજેટ ૪૫ વિમાનના મોડેલની કિંમત લગભગ દોઢ મિલિયન ડોલર છે. લીયરજેટ ૪૫નું સંચાલન પણ અત્યંત ખર્ચાળ છે. તેના ઉપયોગ તેમજ જાળવણીનો વાર્ષિક ખર્ચ છથી આઠ હજાર ડોલર જેટલો થય છે. કંપની ચાર્ટર સર્વિસ માટે પ્રતિ કલાક ત્રણથી પાંચ હજાર ડોલર પ્રતિ કલાકના હિસાબે ચાર્જ કરે છે.


