કલમ 498(એ)ને સમાધાનપાત્ર કરવાનાં બિલ અંગે સવાલ
વિધાનમંડળમાં પસાર થયેલું બિલ પાછું ખેંચી રાષ્ટ્રપતિના અધિકાર પર તરાપ મારી, આ લોકશાહી છે ?
મુંબઈ - 2018માં રાજ્યની વિધાનસભામાં પ્રસ્તાવ પારીત થયા બાદ મહારાષ્ટ્ર સરકાર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૪૯૮ (એ)માં સુધારો કરીને તેને સમજૂતીપાત્ર ગુનો બનાવવાના પ્રસ્તાવને પાછો કઈ રીતે ખેંચી શકે ? એનો ખુલાસો કેન્દ્ર અને રાજ્ય સરકારને કરવાનો નિર્દેશ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે.
પ્રસ્તાવને રાષ્ટ્રપતિની સંમતિ માટે કેન્દ્ર સરકાર મારફત મોકલાવાયો હતો જોકે સરકારે આ પ્રસ્તાવ જ રાજ્યપાલ દ્વારા પાછો ખેંચી લીધાનું કોર્ટને જણાવાયું હતું. આ બાબતની નોંધ લઈને કોર્ટે ઉક્ત સવાલ કર્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. રાજ્યના એક્ઝિક્યુટિવ કઈ રીતે સુધારાનો પ્રસ્તાવ પાછો ખેંચી શકે, એમ કોર્ટે મૌખિક રીતે નિરીક્ષણ કર્યું હતું. આ બાબતમાં કેન્દ્ર પણ અજ્ઞાાન હોવાની ભૂમિકા લઈ શકે નહીં. આ બાબત વાદવિવાદનો છે પણ એનું મંચ કોર્ટ નહીં વિધાનમંડળ છે. આગામી સુનાવણીમાં કેન્દ્ર અને રાજ્ય પોતાના વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
બહુમતીથી કાયદો પસાર કર્યા બાદ કેબિનેટ બિલને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલે નહીં તો એ લોકશાહી વિરુદ્ધ નથી? એવો સવાલ કોર્ટે કર્યો હતો. રાષ્ટ્રપતિનો અધિકાર છીનવી રહ્યા છો એમ જણાવ્યું હતું.
રાજ્યના એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને જણાવ્યું હતું કે આ બિલ રાજ્યપાલ મારફત એટલા માટે પાછું ખેંચાયું હતું કે રાજ્ય અકે વ્યાપક કાયદો લાવવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે જે પ્રલંબિત અને ભવિષ્યના કેસોની પણ સંભાળ રાખશે. જેમાં ફોજદારી અને સુધારીત કાયદામાં પણ સુધારો કરવાનો વિચાર છે.
કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે એક વાર બિલ રાષ્ટ્રપતિની સંમતી માટે મોકલાવાયા બાદ તેને પાછું ખેંચી શકાય? કેમ કે તે પછી સંપૂર્ણ પણે રાષ્ટ્રપતિના વિશેષાધિકાર પર છે કે તેને મંજૂરી આપવી કે નહીં.
સાઠેએ ત્રણ મહિના માટે સુનાવણી મુલતવી રાખવા જણાવ્યું હતું જેથી પ્રસ્તાવિત સુધારા રજૂ કરી શકે. કોર્ટે સંમતિ આપી હતી.
નોંધનીય છે કે હાઈકોર્ટે ઓક્ટોબર ૨૦૨૨માં કેન્દ્રનો જવાબ માગ્યો હતો કે આ કાયદો સમાધાન પાત્ર બનાવી શકાય કે નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે રોજની અમારી સામે ૧૦ અરજી આ કલમ હેઠળના કેસને રદ કરવાની આવે છે કેમ કે તે સમાધાન પાત્ર ગુનો નથી. આ માટે સંબંધીત પક્ષકારોએ કોર્ટમાં આવવું પડે છે અને હાડમારી પડે છે પૈસાનો વ્યય થાય છે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશની સરકારે કલમને સમાધાનપાત્ર ૨૦૦૩માં જ કરી નાખી છે. આથી એડિશનલ સોલિસિટર જનરલે સંબંધીત મંત્રાલય સમક્ષ મુદ્દો માંડવો જોઈએ.
એક જ પરિવારના ત્રણ જમ સામે નોંધાયેલા ગુનાને રદ કરવાની અરજીમાં આ નિરીક્ષણ થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે ત્રણે જુદા જુદા શહેરમાંથી છે અને તેમણે સુનાવણી માટે પુણે, સાતાર અને નવી મુંબઈથી મુંબઈ આવવું પડે છે.
કોર્ટે પુણે હડપસર પોલીસ સ્ટેશનમાં અરજદારો વિરુદ્ધ નોંધાયેલા કેસને રદ કર્યો હતો કેમ કે મહિલા અને સાસરિયા વચ્ચે સમાધાન થયું હતું. ૨૫ લાખમાંથી ૧૦ લાખ અપાતાં મહિલાએ કેસ રદ કરવાની સંમતિ આપી હતી.


