દફન પહેલાં દાદીએ છેલ્લીવાર ચહેરો જોવા કપડું ખસેડયું તો શિશુ જીવતું જણાયું

દાદીની લાગણીના કારણે જીવતાં શિશુની અંતિમ વિધિ અટકી ગઈ
બીડની સરકારી હોસ્પિટલની બેદરકારીઃ ડિલિવરી પછી મૃત્યુ પામેલું જાહેર કરેલું શિશુ ૧૨ કલાકે જીવતું જણાતાં તપાસના આદેશ
સ્વામી રામાનંદ તીર્થ ગવર્નમેન્ટ હોસ્પિટલમાં ગઈ સાતમી જુલાઈએ એક મહિલાને પ્રસૂતિ થઈ હતી. શિશુ જન્મ્યા બાદ તે નિશ્ચેતન જણાતાં તબીબોએ તેને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું. જોકે, તે વખતે પણ પરિવારજનોએ કહ્યુ ંહતું કે બાળક સ્હેજ હિલચાલ કરે છે તેવું તેમને લાગે છે. પરંતુ, હોસ્પિટલ સ્ટાફે તેમને દાદ આપી ન હતી અને બાળક મૃત્યુ પામી ચૂક્યું છે તેમ કહ્યુ ંહતું. હોસ્પિટલમાં ૧૨ કલાક શિશુને રખાયું હતું. અન્ય પરિવારજનો આવ્યા બાદ તે તેમને સોંપવામાં આવ્યું હતું.
પરંપરા પ્રમાણે નવજાત શિશુને દફનાવાતું હોય છે. પરિવારે આ માટે તૈયારી શરુ કરી હતી. બાળકને દફન માટે લઈ જતાં પહેલાં દાદીએ અંતિમવાર તેનો ચહેરો જોઈ લેવાની લાગણી પ્રગટ કરી હતી. દાદીએ કપડું ખસેડયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે શિશુ હલનચલન કરી રહ્યું છે. શિશુના દાદા સખારામ ગુગેએ જણાવ્યું હતું કે અમે દફન માટે બાળકને એક પેટીમાં મૂકી મોટરસાઈકલ પર લઈ જતા હતા. તે પહેલાં તેની દાદીએ ચહેરો જોવાની જીદ કરી ત્યારે અમને ખબર પડી કે તે જીવે છે. આ બાદ પરિવારમાં હર્ષ છવાયો હતો.
પરિવારજનો બાદમાં બાળકને લઈ અંબોજગાઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં તેને સારવાર અપાઈ હતી. હવે તેને સ્વામી તીર્થ રુરલ હોસ્પિટલમાં દાખલ કરાયું છે.
પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડો. રાજેશ કચરેએ કહ્યું હતું કે ડોક્ટરોએ શિશુને આઇસીયુમાં દાખલ કર્યો હતો. શિશુ હજુ પણ નિશ્ચેતન જણાતો હતો આથી ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરીને પરિવારજનોને સોંપ્યો હતો તે પરિવાર ૧૭ કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં ટુવ્હીલર પર પહોંચ્યા હતા. ડો. કચરેએ કહ્યું કે તેઓ જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે શિશુમાં હલનચલન જોવા મળ્યું હતું. તેઓ ફરી પાછા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને શિશુને દાખલ કર્યો હતો.
પરિવારે કોઇ ફરિયાદ દાખલ કરી ન હતી તેમ છતાં ઘટનાની તપાસ કરવા બે ટીમની રચના કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.








