Get The App

કાર બગડતાં 2 ગધેડા પાસે ખેંચાવી શો રુમ લઈ જવાઈ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
કાર બગડતાં 2  ગધેડા પાસે ખેંચાવી શો રુમ લઈ જવાઈ 1 - image

કાર ડીલર સામે ગ્રાહકનું  વિરોધ પ્રદર્શન

જોકે, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓ નારાજ

મુંબઇ -  પોતાની નવી એસયુવી ખોટકાઇ જતી હોવાથી અને ફરિયાદોનો નિકાલ નહીં થવાથી મહારાષ્ટ્રના પુણેમાં એક ગ્રાહકે કારને ડીલર પાસે મોકલવા બે ગધેડા પાસે કાર ખેંચાવી હતી. એક્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે વાહનનો માલિક કાર સાથે ચાલી રહ્યો છે અને તેના સાથે કેટલાક લોકો ચાલી રહ્યા છે. કાર પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં કાર ડીલરની ટીકા કરાઇ  રહી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે આ લોકો ફોલ્ટી કાર વેચીને ગ્રાહકોને ઠગી રહ્યા છે.

આ  ગ્રાહકે નવું વાહન લીધું હતું. અને વાહન અંગે તેણે ડીલરને ફરિયાદો કરી હતી પણ તેની કોઇ પ્રતિભાવ મળ્યો ન હતો. ઘણાં  મહિના રાહ જોયા પછી તેણે પોતાનો સંદેશ પહોંચાડવા બે ગર્દભની મદદ લીધી હતી. સંખ્યાબંધ લોકો પિંપરી ચિંચવડના રસ્તા પર થઇ રહેલા અનોખા વિરોધ પ્રદર્શનને જોવા ભેગા થયા હતા. ઢોલ તાશા વાગી રહ્યા છે અને બે ગધેડા લાખો રૃપિયાની કાર ખેંચી રહ્યા છે તે દ્રશ્ય જોઇ લોકો કુતૂહલવશ ભેગા થયા હતા.

ઇન્ટનરનેટ વિશ્વમાં ઘણા યુઝર્સ તેની તરફેણમાં કમેન્ટસ કરી હતી. એક યુઝરે કહ્યું કે આપણી પાસે બાહુબલી રોકેટ બનાવવાની ક્ષમતા છે. અદ્યતન કાર બનાવવાની ક્ષમતા પણ છે. સર્વિસનું શું?  પોતાને મળતી સર્વિસનો કડવો અનુભવ શેર કરતા સંખ્યાબંધ વીડિયો ઇનટરનેટ પર ઉપલબ્ધ છે.

એક અન્ય યુઝરે લખ્યું સામાન્ય નાગરિકના કામો કેવી ધીમી ગતિએ થઇ રહ્યા છે? વાહનની કંગાળ સર્વિસનો મુદ્દો પ્રકાશમાં લાવવા બદલ આભાર.

કેટલાક યુઝર્સે વિરોધ આંદોલન માટે ગધેડાઓનો ઉપયોગ કર્યો તેની સામે વિરોધ નોંધાવ્યો છે. પ્રાણી પર ક્રૂરતા થઇ રહી છે તેવું તેમનું કહેવું છે. 

એક પ્રાણીપ્રેમીએ લખ્યું હતું કે પ્રાણી પરની ક્રૂરતા માટે આ વ્યક્તિ સામે ફરિયાદ થવી જોઇએ. એક અન્યએ પૂછયું હતું ગધેડાની શું ભૂલ છે? ઉન્હોને ઇસકી કાર કાર ખરાબ કી? (શું તેમણે આની કાર બગાડી?)