Get The App

ભારતની આર્થિક રાજધાની ફરતે વેસ્ટર્ન નેવલ કમાન્ડનું અભેદ્ય સુરક્ષા કવચ - મુંબઇને ઉની આંચ નહીં આવે

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
ભારતની આર્થિક રાજધાની   ફરતે   વેસ્ટર્ન   નેવલ    કમાન્ડનું   અભેદ્ય   સુરક્ષા કવચ - મુંબઇને ઉની આંચ નહીં આવે 1 - image


ભારતીય લશ્કરનો જુસ્સો મહાબુલંદઃ  ૧૯૭૧નું પુનરાર્તન શક્ય

ભારતીય નૌકાદળમાં ૧૬ સબમરીન્સ છે- ૧૪ કન્વેન્શનલ , બે ન્યુક્લિયર પાવર્ડ સબમરીન્સ પણ છે- બ્રહ્મોસ, અગ્નિ -વી, શૌર્ય વગેરે મિઝાઇલ્સની પ્રચંંડ તાકાતથી જીવલેણ  પ્રહાર કરવા સક્ષમ

મુંબઈ -     ભારતના પ્રચંડ લશ્કરી પ્રહાર સામે પાકિસ્તાન ત્રણ-ચાર દિવસ પણ ટકી શકે  તેમ  નથી. હાલના તબક્કે  ભારતનાં ભૂમિદળ, હવાઇ દળ, નૌકા દળ તેની સંપૂર્ણ તાકાત સાથે સજ્જ છે. ભૂતકાળમાં ૧૯૬૨ અને ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય લશ્કરે એટલી પ્રચંડ થપાટ મારી હતી કે  પાકિસ્તાનનાં બે ઉભાં ફાડિયાં થઇ ગયાં અને હાલના બંગલા દેશ નામના નવા દેશનો જન્મ થયો.    ૧૯૭૧ના યુદ્ધમાં તો ભારતીય નૌકાદળના  આઇએનએસ  વિક્રાંતે  પાકિસ્તાનના આર્થિક પાટનગર અને સૌથી મોટા બંદર કરાચીને વેરવિખેર કરી નાખ્યું હતું. ભારતીય નૌકાદળના તે મહાપરાક્રમને ઓપરેશન ટ્રાયડન્ટ નામથી ઓળખવામાં આવે છે. 

અત્યારે પણ  પણ ભારતીય નૌકાદળ અને તેનો  વેસ્ટર્ન નેવલ કમાન્ડ તેની સંપૂર્ણ શક્તિથી પાકિસ્તાન પર ફરીથી હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી શકે છે. 

ખાસ કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઇ સંપૂર્ણપણે સલામત છે. મુંબઇ ફરતે ભારતીય નૌકાદળનું - વેસ્ટર્ન નેવલ કમાન્ડનું અભેદ્ય સુરક્ષાકવચ ગોઠવાયેલું છે. ૨૦૨૫ની૨૨, એપ્રિલે પાકિસ્તાનના પાળેલા ઉગ્રવાદીઓએ કશ્મીરના  પહલગાંવમાં ૨૮ સહેલાણીઓની હત્યા કરી હતી. તે કરુણ અને રક્તરંજિત ઘટનાના સંદર્ભમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે. ભારત આખામાં પાકિસ્તાન પ્રત્યે રોષ-આક્રોશનો જ્વાળામુખી ફાટયો છે. 

   ભારતીય નૌકાદળના વેસ્ટર્ન કમાન્ડનાં આધારભૂત સૂત્રોએ  ગુજરાત સમાચાર સાથેના  ખાસ ઇન્ટર્વ્યુમાં આવો લોખંડી આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

   વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં ઉચ્ચ કક્ષાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ભારતીય નૌકાદળનો વેસ્ટર્ન નેવલ કમાન્ડ સ્વોર્ડ આર્મ કહેવાય છે.આ સ્વોર્ડ આર્મ ભારતના વિશાળ અરબી સમુદ્રમાં સતત ફરજ બજાવે છે.  બાજનજર રાખે છે. વળી, વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં  ભારતની આર્થિક રાજધાની મુંબઇ સૌથી મોટું અને મહત્વનું મહાનગર છે. આ દ્રષ્ટિએ હાલ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં એરક્રાફ્ટ  કેરિયર આઇ.એન.એસ. વિક્રમાદિત્ય, આઇ.એન.એસ. વિક્રાંત જેવાં અત્યાધુનિક યુદ્ધ જહાજો છે.  

વેસ્ટર્ન નેવલ કમાન્ડ  તો એન્ટિ મિઝાઇલ સિસ્ટમથી પણ સંપૂર્ણ સજ્જ  છે. સાથોસાથ ગરૃડ નજર  ધરાવતાં    અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ભારતીય હવાઇદળનાં વિમાનો મુંબઇનું રખોપું કરવા માટે  તૈયાર છે. પાકિસ્તાનનાં લશ્કરી વિમાન  કે નેવી મુંબઇને દૂર દૂરથી પણ નુકસાન કરી શકે તેમ નથી. આમ પણ આપણાં  જાંબાઝ લશ્કર આખા ભારતની સુરક્ષા કરવા માટે અને પાકિસ્તાનને કાયમ માટે મોટો અને અઘરો બોધપાઠ ભણાવવા તૈયાર છે. 

    હાલ ભારતીય નૌકાદળમાં કુલ ૧૬ સબમરીન્સ છે, જેમાં ૧૪ સબમરીન્સ કન્વેન્શનલ(ડિઝલ- ઇલેક્ટ્રીક) છે, જ્યારે બે ન્યુક્લિયર પાવર્ડ સબમરીન્સ છે. ઉપરાંત, બ્રહ્મોસ,બ્રહ્મોસ -- એનજી,નિર્ભય વગેરે ક્રૂઝ મિઝાઇલ્સ પણ સંપૂર્ણ સજજ  છે. સાથોસાથ, અગ્નિ--વી -- તો ઇન્ટરકોન્ટિનલ બેલિસ્ટિક મિઝાઇલ છે જેની મારકશક્તિ ૫,૦૦૦ કિલોમીટરની છે. 

  બીજીબાજુ પાકિસ્તાન પાસે પણ પી.એન.એસ. અગોસ્તા,ખાલીદ,હશ્મત,હમ્ઝા,ગાઝી વગેરે પ્રકારની સબમરીન્સ છે ખરી પણ હાલ આમાંની અમુક  સબમરીન નિષ્ક્રિય થઇ ગઇ હોવાના અહેવાલ મળે છે. વળી, પાકિસ્તાન પાસે ન્યુક્લિયર પાવર્ડ સબમરીન નથી.  સમગ્ર રીતે કહીએ તો ભારતીય ભૂમિદળ, નૌકાદળ,હવાઇદળના પ્રચંડ અને ત્રિપાંખિયા હુમલા સામે  પાકિસ્તાન ફરીથી વેરણછેરણ થઇ જશે એટલું  ચોક્કસ. ભારતીય લશ્કરનો જુસ્સો બુલંદ છે.


Tags :