Get The App

મુંબઈમાં વરસાદ વચ્ચે હાઈટાઈડનું એલર્ટ, ઉઠી શકે છે 4.63 મીટર ઉંચી લહેરો

ઉત્તરી કોંકણ, ગોવા અને દક્ષિણી ગુજરાતમાં મૂશળધાર વરસાદની સંભાવના

Updated: Jul 5th, 2020

GS TEAM


Google News
Google News
મુંબઈમાં વરસાદ વચ્ચે હાઈટાઈડનું એલર્ટ, ઉઠી શકે છે 4.63 મીટર ઉંચી લહેરો 1 - image


નવી દિલ્હી, તા. 5 જુલાઈ 2020, રવિવાર

ભારતના મેદાની ક્ષેત્રોમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન વિભાગ (IMD)ના અહેવાલ પ્રમાણે પશ્ચિમ મધ્ય અને બંગાળની ખાડીમાં ચક્રવાતી ક્ષેત્ર સર્જાયું છે. આ કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 4-5 દિવસમાં મધ્ય અને ઉત્તર ભારતના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

મુંબઈ સંપૂર્ણ રીતે ચોમાસાની લપેટમાં છે અને મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં શનિવારથી જ અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે થોડી વાર માટે વરસાદ અટક્યો હતો પરંતુ ફરી વરસાદે જોર પકડી લીધું છે. ચેમ્બુર અને અંધેરીના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે જેના કારણે ખાર સબવેને પરિવહન માટે બંધ કરી દેવાઈ છે. 

મુંબઈમાં હાઈટાઈડનું એલર્ટ

મુંબઈમાં ભારે વરસાદ અને પાણીના ભરાવા વચ્ચે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં આજે બપોરે દરિયામાં 4.63 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ મુંબઈમાં હાઈટાઈડ આવેલ અને દરિયાના મોજાઓ ઉછળ્યા હતા. જાણવા મળ્યા મુજબ શનિવારે સવારે 11:30 કલાકે દરિયામાં 4.57 મીટર સુધી ઉંચા મોજા ઉઠ્યા હતા. 

મુંબઈમાં વરસાદ બાદ પાણીનો ભરાવો

છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે મુંબઈમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. મૂશળધાર વરસાદને પગલે ઓછામાં ઓછા 10 વિસ્તારોમાં ભારે પાણી ભરાયું છે જેની અસર રસ્તાઓ પરના ટ્રાફિકને પણ થઈ રહી છે.

રસ્તાઓ પર પાણીના ભરાવાના કારણે અનેક ગાડીઓ રસ્તાઓ પર અટકી પડી છે. સાયન ખાતે તો એક પોલીસ ચોકીમાં જ પાણી ભરાઈ ગયું હતું અને શનિવારે મુંબઈમાં 82 મિમી વરસાદ નોંધાયો હતો. આ કારણે જ શહેરના 10 વિસ્તારોમાં ભારે વોટરલેગિંગ છે. જો કે આ કંઈ પહેલી વખત નથી અને અગાઉ પણ દર વખતે ચોમાસામાં મુંબઈની આ જ હાલત થાય છે. 

આ તરફ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ વગેરે ક્ષેત્રોમાં પણ હળવાથી ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ સર્જાઈ છે અને બિહારમાં શનિવારે વીજળી પડવાના કારણે 20 લોકોના મોત થયા હતા. જો કે હરિયાણા અને પંજાબમાં હજુ સુધી ગરમીથી કોઈ રાહત નથી મળી અને હરિયાણાના નારનૌલ ખાતે શનિવારે મહત્તમ 41.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની એજન્સી સ્કાઈમેટ દ્વારા રવિવારે ઉત્તરી કોંકણ, ગોવા અને દક્ષિણી ગુજરાતમાં મૂશળધાર વરસાદની સંભાવના જાહેર કરવામાં આવેલી છે. 

Tags :