Mumbai

નવાબ મલિકે કોર્ટનું અવમાન કર્યાની વાનખેડેના પિતાની અરજી ફગાવાઈ

By GS TEAM
12 Jul 20252 mins read
નવાબ મલિકે કોર્ટનું અવમાન કર્યાની વાનખેડેના પિતાની અરજી ફગાવાઈ

વાનખેડે પરિવાર સામે નિવેદન નહીં કરવાની ખાતરીનો ભંગ  

રાષ્ટ્રવાદીના નેતાએ સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ કોર્ટને આપેલી ખાતરીનો ભંગ ન હોવાની હાઈકોર્ટની નોંધ

મુંબઈ -  આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેના પિતાએ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિક સામે કરેલા કોર્ટના અવમાનની અરજીને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં દાવો કરાયો હતો કે મલિકે કોર્ટને આપેલી ખાતરીનો ભંગ કર્યો છે. અરજદાર અને તેના પરિવાર સામે પોતે કોઈ ટિપ્પણી કે નિવેદન કરશે નહીં એવી ખાતરી આપી હતી.

કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે મલિકે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટથી ખાતરીનો ભંગ થતો નથી. અરજદાર ધ્યાનદેવ વાનખેડેએ ૨૦૨૪માં અરજી કરીને દલીલ કરી હતી કે મલિકે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને ખાતરીનો ભંગ કર્યો છે. ૨૦ ડિસેમ્બર ૨૦૨૧માં કોર્ટને આપેલી ખાતરીનો હેતુપૂર્વક ભંગ કરવા બદલ મલિકે બિનશરતી માફી માગી હતી જે કોર્ટે સ્વીકારી હતી અને ખાતરી આપી હતી કે આગળ પણ આવા નિવેદનો કરશે નહીં.

મલિકે જોકે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીના રાજકીય દુરુપયોગ અને તેના અધિકારીઓની વર્તણૂક પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શકાય નહીં. 

કોર્ટે નોંધ કરી હતી કે ટ્વીટ કે પોસ્ટને તપાસતાં ખાતરીનો ભંગ થયાનું જણાતું નથી. વળી વાનખેડેના બદનક્ષીનો કેસ પ્રલંબિત હતો એ દરમ્યાન મલિકે ખાતરી આપી હતી હવે આ કેસ રદબાતલ થયો છે કેમ કે હાઈકોર્ટ રજિસ્ટ્રીએ ઉઠાવેલા વાંધાવચકાને દૂર કરવામાં આવ્યા નહોતા, એમ જણાવીને અવમાનની અરજી રદબાતલ કરાઈ હતી.