Get The App

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે વીવીપેટ ફરજિયાત નથી

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે વીવીપેટ ફરજિયાત નથી 1 - image

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફક્ત સામાન્ય ચૂંટણીઓ પર લાગુઃ ચૂંટણી પંચ

 સ્થાનિક ચૂંટણીમાં એક વોર્ડમાં એકથી વધુ ઉમેદવારોને મત આપવાનો હોવાથી ટેકિનકલી શક્ય ન હોવાની ચૂંટણી પંચની હાઇકોર્ટમાં રજૂઆત

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે વીવીપેટ મશીનોનો ઉપયોગ ફરજિયાત નથી, અને તે  ટેકનિકલ  રીતે પણ શક્ય નથી.

મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વીવીપેટનો ઉપયોગ ન કરવાના નિર્ણયને પડકારતી કોંગ્રેસ નેતા પ્રફુલ્લ ગુડધે દ્વારા હાઇકોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી અરજીના વિરોધમાં ચૂંટણી પંચે  સોગંદનામું દાખલ કર્યું હતું.

ગુડધેએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સિસ્ટમ જરૃરી છે.

બુધવારે  સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ અનિલ કિલોરની આગેવાની હેઠળની બેન્ચે વીવીપેટનો ઉપયોગ ફરજિયાત હોવાના સુપ્રીમના નિર્દેશ છતાં પણ ચૂંટણી પંચ સ્થાનિક મશીનોમાં તેનો ઉપયોગ કેમ કરવાનું નથી તેનું  કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતોે.

કમિશનના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફક્ત સામાન્ય ચૂંટણીઓ પર લાગુ પડે છે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર નહીં.

તેમણે ધ્યાન દોર્યું કે ૨૦૧૭ ની મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન પણ વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

કમિશને તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ચૂંટણીઓ સ્થાનિક મ્યુનિસિપલ કાયદાને આધીન રહીને યોજાય છે અને તે અનુસાર વીવીપેટનો ઉપયોગ ફરજિયાત નથી. 

પંચે વધુમાં જણાવ્યું હતું કે ઈવીએમ સંસદીય અને વિધાનસભા ચૂંટણી માટે ડિઝાઈન કરાયેલાં છે. તેમાં એક બેઠક પર એક જ ઉમેદવારને મત આપવાનો હોય છે. જ્યારે સ્થાનિક ચૂંટણીઓમાં એક વોર્ડમાં એકથી વધુ ઉમેદવારોને મત આપવાનો હોય છે. આ કારણોસર પણ સ્થાનિક ચૂંટણીમાં ટેકનિકલી વીવીપેટનો ઉપયોગ શક્ય નથી. 

અરજદાર તરફથી એવી રજૂઆત થઈ હતી કે બોગસ વોટિંગ રોકવા વીવીપેટનો ઉપયોગ જરુરી છે. જો વીવીપેટનો ઉપયોગ ન થવાનો હોય તો પંચે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવું જોઈએ. 

હાઈકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી મંગળવાર પર મુલત્વી રાખી છે.