Get The App

18 વર્ષે આપોઆપ મતાધિકાર નથી મળતો, યાદીમાં નામ સુધી રાહ જોવી પડેઃ હાઈકોર્ટ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
18 વર્ષે આપોઆપ મતાધિકાર નથી મળતો, યાદીમાં નામ સુધી રાહ જોવી પડેઃ હાઈકોર્ટ 1 - image

મતદાન માટે લાયક હોવું અને અધિકાર મળવો એ અલગ અલગ બાબત

18 વર્ષ થાય એટલે યાદીમાં નામ માટે ઉતાવળ  બદલ  ટકોરઃ આમ તો પંચ પર કાર્યભારણ વધી જશે 

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે જો દરેક વ્યક્તિ ૧૮ વર્ષની ઉંમરે તરત જ મતદાર નોંંધણી અરજીઓ સબમિટ કરવાનું શરૃ કરે, તો તેનાથી ઓથોરિટી  પર ચકાસણી કાર્યનું ભારણ આવી જશે અને ધસારો વધી જશે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે જ્યારે પણ મતદાર યાદીમાં સુધારો થાય  ત્યારે ૧૮ વર્ષની વયની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે . આ નિરીક્ષણો સાથે  મુંબઈમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માંગતી ૧૮ વર્ષની યુવતીની અરજી પર છ અઠવાડિયામાં નિર્ણય લેવાનો મતદાર નોંધણી અધિકારીને નિર્દેશ આપ્યો હતો.

આ વર્ષે એપ્રિલમાં ૧૮ વર્ષની થયેલી રૃપિકા સિંહે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે રાજ્યમાં કટ-ઓફ તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૪ હોવાથી મતદાર તરીકે નોંધણી કરાવવાની તેમની અરજી સ્વીકારવામાં આવી નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બર ૨૦૨૪માં યોજાઈ હતી.

 બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશનની આગામી ચૂંટણીઓનું સમયપત્રક હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

ન્યાયાધીશ રિયાઝ ચાગલા અને ફરહાન દુબાશની બેન્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મતદાન કરવાની સ્વતંત્રતા અને મતદાનના અધિકાર વચ્ચે તફાવત છે.

 એકવાર તમે ૧૮ વર્ષના થાઓ પછી તમને મતદાન કરવાની સ્વતંત્રતા મળે છે. પરંતુ અધિકાર ત્યારે જ મળે છે જ્યારે સત્તાવાળાઓ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવામાં આવે છે,એમ કોર્ટે કહ્યું, અરજદાર ઓક્ટોબર ૨૦૨૪ માં મતદાર યાદી તૈયાર કરવામાં આવી ત્યારે મતદાન કરવા માટે પાત્ર ન હતી.

બેન્ચનો એવો પણ અભિપ્રાય હતો કે જો દરેક વ્યક્તિ ૧૮ વર્ષની ઉંમરે અરજીઓ દાખલ કરવાનું શરૃ કરે, તો અધિકારીઓ પાસે ચકાસણીનો કાર્યબોજ વધી જશે. 

 આનાથી અરજીઓનો ઢગલો થશે,  કોર્ટે જણાવ્યું હતું અને વધુમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પણ મતદાર યાદીમાં સુધારો થશે ત્યારે ૧૮ વર્ષની વયની વ્યક્તિને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે.

જ્યારે કોર્ટે સૂચવ્યુંં કે શું સંબંધિત સત્તાવાળાઓ તેમની અરજી પર વિચાર કરશે? ત્યારે ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આશુતોષ કુંભાકોણી સંમત થયા હતા.

ત્યારબાદ બેન્ચે ચૂંટણી નોંધણી અધિકારીને છ અઠવાડિયામાં સિંહની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો અને તેમની અરજીનો નિકાલ કર્યો હતોે.

પોતાની અરજીમા રુપિકા  સિંહે જણાવ્યું હતું કે મતદાન કરવાના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને મતદાર યાદીમાં તેમનું નામ સામેલ ન થાય તો તેઓ આગામી મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અઠવાડિયાની શરૃઆતમાં કહ્યું હતું કે રાજ્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં તૈયાર કરાયેલી મતદાર યાદી અપનાવશે.

કુંભકોણીએ ગુરુવારે જણાવ્યું હતું કે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે વિધાનસભા ચૂંટણીની મતદાર યાદી અપનાવવામાં આવશે, તેથી સિંહ આ વર્ષે તેના માટે મતદાન કરી શકશે નહીં.