વિધાનસભામાં મહાયુતિના વિજયના એક વર્ષ બાદ લિટમસ ટેસ્ટ
અનેક સ્થળે મહાપાલિકાના ભાગીદારો ભાજપ અને શિવસેના વચ્ચે જ સામસામે લડાઈઃ ડુપ્લીકેટ મતદારોના આક્ષેપો ગાજ્યા
મુંબઈ - મહારાષ્ટ્રમાં આવતી કાલે મંગળવારના રોજ ૨૪૨ નગર-પરિષદ અને ૪૬ નગર-પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે. જ્યારે થાણે, પુણે અને અહિલ્યાનગર જિલ્લામાં કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી મુલતવી રહી છે અને આ ચૂંટણી હવે ૨૦મી ડિસેમ્બરે યોજાશે.
સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ત્રિ-સ્તરીય ચૂંટણી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે એ મુજબ ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતી કાલે યોજાવાનું છે. જોકે, થાણે, પુણે અને અહિલ્યાનગર જિલ્લાની કેટલીક નગર-પરિષદો અને નગર-પંચાયતોમાં ચૂંટણી અધિકારીઓના નિર્ણય સામે ઉમેદવારીએ અદાલતમાં ધા નાખી હોવાથી સંબંધિત નગર-પરિષદો અને નગર-પંચાયતોની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની મહાયુતીએ નવેમ્બર ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો અએ વિજયકૂચ નગર-પરિષદ અને નગર-પંચાયતની ચૂંટણીમાં ટકી રહેશે કે કેમ તેની ઉપર સહુની મીટ મંડાઈ છે.
રાજ્યમાં નવી સરકારની રચનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે તેવા સમયે જ આ ચૂંટણી યોજાઈ રહી છે. આ એક વર્ષમાં મહાયુતિના ભાગીદારો ભાજપ અને એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના સંબંધો ઉત્તરોત્તર કથળતા ગયા છે. આ ચૂંટણીમાં અનેક ઠેકાણે ભાજપ અને શિંદે સેના સામસામે લડી રહ્યાં છે જ્યારે કેટલાંય સ્થળે શિંદે સેનાએ ઉદ્ધવ ઠાકરેનાં વડપણ હેઠળની સેના સાથે પણ હાથ મિલાવ્યો છે. આ ઉપરાંત એનસીપીનનાં શરદ પવાર તથા અજિત પવારના વડપણ હેઠળના બે અલગ અલગ ફાંટા પણ આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર એક થઈને લડી રહ્યા છે.
ચૂંટણી દરમિયાન સાથી પક્ષોના નેતાઓ દ્વારા જ એકબીજા પર ગંભીર આક્ષેપો થયા હોય તેવું પણ જોવા મળ્યું છે.
મંગળવારે મતદાન પુરૃં થયા પછી બુધવારે મતગણતરી થશે. આમ ૬૮૫૯ સભ્યો અને ૨૮૮ પ્રમુખોના ભાગ્યનો ફેંસલો બુધવારે થશે. ૧.૦૭ મતદારો માટે ૧૩,૩૫૫ પોલીંગ બૂથ ઉભા કરવામાં આવ્યાં છે. ૬૬ હજાર ચૂંટણી કર્મચારીઓ મતદાન પ્રક્રિયા પાર પાડવાના છે.
જે ૨૪૬ નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે તેમાંથી ૨૭ કોંકણમાં, ૫૯ નાસિક ડિવિઝનમાં અને ૬૦ પુણે ડિવિઝનમાં છે, ૫૫ નાગપુર ડિવિઝનમાં છે. બીજી તરફ આશરે ૧૦૦થી વધુ વોર્ડ અને નગરાધ્યક્ષની ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે.
આ ચૂંટણીમાં મતદાર યાદીઓમાં મોટાપાયે ડુપ્લીકેટ મતદારો હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે. જોકે, ચૂંટણી પંચના દાવા પ્રમાણે એક જ મતદાર બે વખત મતદાન ન કરે તેની પુરતી કાળજી લેવાી છે.
સુપ્રીમ કોર્ટે તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી તા. ૩૧મી ડિસેમ્બર સુધીમાં યોજી દેવાના આદેશો આપ્યા છે તેને પગલે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. હજુ ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૩૨ જિલ્લા પરિષદો તથા ૩૩૬ પંચાયતોની ચૂંટણીઓ હવે પછી તબક્કાવાર યોજાશે.


