બીએમસીની ચૂંટણીની મતદારયાદીનો ડ્રાફ્ટ તૈયાર
જ્યારે પશ્ચિમ ઉપનગરોના કેટલાક વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો કારણ કે ઇમારતોના પુનર્વિકાસથી મતદારોનું સ્થળાંતર
મુંબઇ - રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટમાં વર્ષ ૨૦૧૭થી મતદારોમાં ૧૨.૬૭ ટકાનો વધારો નોંધાયો છે.
મળેલી માહિતી અનુસાર ૨૨૭ નગરસેવકના વોર્ડમાંથી ચાર મતદારોની સંક્યામાં ૫૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જેમાં વોર્ડ ક્રમાંક ૪૮, ૩૩,૧૬૩ અને ૫૭ - મલાડ અને કુર્લા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. જ્યાં મોટાભાગે લઘુમતી સમુદાયોના શ્રમજીવી વર્ગ, ઓછી આવક ધરાવતા જૂથો રહે છે.
રાજ્ય ચૂંટણી પંચના ડેટા અનુસાર પશ્ચિમ ઉપનગરોમાં માલવણીના વોર્ડ નં.૪૮માં મતદારોમાં સૌથી વધુુ ૬૭.૬ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં આ વોર્ડમાં ૨૯,૬૭૮ મતદારો હતા. હાલમાં કુલ ૪૯,૭૭૫ છે.
ડેડા એ પણ દર્શાવે છે કે માલવણી વિસ્તારને અડીને આવેલા મલાડના મઢમાં વોર્ડ નં.૩૩માં મતદારોની સંખ્યામાં બીજા ક્રમાંકે ૫૪.૧ ટકાનો સૌથી વધુ વધારો નોંધાયો છે.
મતદારોની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૨૫,૫૯૦ થી વધીને વર્ષ ૨૦૨૫માં ૩૯,૪૨૪ થઇ ગઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી મલાડ અને માલવણી વિસ્તારોમાં રોહિંગ્યા અને બંગ્લાદેશીઓની કથિત ઘૂસણખોરીના મુદ્દા પર સાંપ્રદાયિક તણાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
મલાડ ઉપરાંત મુંબઇના કુર્લા અને ચાંદિવલીમાં વોર્ડ નં.૧૫૭ અને ૧૬૩ માં પણ મતદારોની સંખ્યામાં ૫૦ ટકાથી વધારો નોંધાય છે. વોર્ડ નં.૧૬૩માં મતદારોની સંખ્યામાં ૫૧.૮ ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ ૨૦૧૭માં કુલ મતદારોની સંખ્યા ૩૦,૯૨૬ હતી જે હવે ૪૬,૯૪૧ થઇ ગઇ છે.
આ સિવાય વોર્ડ ૧૫૭માં મતદારોની સંખ્યામાં ૫૦.૮ ટકાનો વધારો થયો છે. જેમાં વર્ષ ૨૦૧૭માં કુલ મતદારોની સંખ્યા ૩૮,૧૯૮ હતી જે આ વર્ષે વધીને ૫૭,૬૧૨ થઇ ગઇ છે. આ બંને મતવિસ્તાર ચાંદીવલી મતવિસ્તાર હેઠળના કુર્લા વિસ્તારમાં છે. અહીં મોટાભાગે ઓછી આવક ધરાવતા જૂથો વસે છે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર ૨૨૭ નગરસેવકોના વોર્ડમાંથી ૨૪ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તેમાંથી ૧૦ ઉપનગરોમાં છે. સામાન્ય રીતે તળમુંબઇ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે કારણ કે છેલ્લાં દાયકામાં ઘણી સદી જૂની રહેણાંક ઇમારતોના પુનર્વિકાસને કારણે ઘણા રહેવાસીઓ ઉપનગરોમાં સ્થળાંતરિત થયા હતા.
પશ્ચિમ ઉપનગરમાં જ્યાં મતદારોનો ઘટાડો જોવા મળે છે તેમાં વોર્ડ નં.૨૮ (કાંદિવલી પૂર્વ), નં.૧૩ (બોરીવલી), નં.૫૭ (ગોરેગાવ), નં.૬૪ (અંધેરી પશ્ચિમ), નં.૧૦૦ ખાર અને નં.૧૦૨ બાંદરાનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિસ્તારોમાં રિડેવલપમેન્ટ તથા ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ હેઠળ ઇમારતોના પુનર્વિકાસ કામ હાથ ધરાયા હોવાથી રહેવાસીઓ અન્ય સ્થળે સ્થળાંતર કર્યું છે. જેના કારણે મતદારોની સંખ્યા ઘટી છે.


